ન્યુ દિલ્હી : દક્ષિણ દિલ્હીના માલવીય નગરમાં લોકપ્રિય બનેલ “બાબા કા ઢાબા”નામાલિક કાંતા પ્રસાદે ઈન્સ્ટાગ્રામ ઈનફ્લુએન્સર અને યુ-ટ્યૂબર ગૌરવ વાસન પર ડોનેશનના રૂપિયાની તફડંચીનો આરોપ લગાવી પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
તાજેતરમાં જ “બાબા કા ઢાબા”ના માલિક કાંતા પ્રસાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા બાદ કે ફેમસ થઈ ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં તેમણે લોકડાઉન દરમિયાન “બાબા કા ઢાબા”બંધ રહેવાના કારણે પડેલી આર્થિક સંકડામણની વ્યથા વર્ણવી હતી.
તેમણે યુ-ટ્યૂબર વાસનના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવેલ વીડિયોમાં પોતાના સંઘર્ષ વિશે જણાવ્યું હતું. પ્રસાદે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, વાસને તેમનો વીડિયો શૂટ કર્યો અને તેને ઓનલાઈન પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર લોકોને પૈસા આપવાની અપીલ કરી હતી.
તેમણે આરોપ લગાવ્યો છે કે, વાસને જાણીજોઈને પોતાનો અને પોતાના પરિવાર-મિત્રોના બેંકની વિગતો અને મોબાઈલ નંબર ડૉનર્સ સાથે શેર કર્યાં છે. ફરિયાદકર્તાનો કોઈ પણ જાણકારી આપ્યા વિના વિવિધ મધ્યમોથી મળેલી જંગી દાનની રકમની તફડંચી કરી છે.