કોરોના વાયરસની દુનિયાની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડશે…
ન્યુ દિલ્હી : કોરોના વાયરસની અસર દુનિયાની અર્થવ્યવસ્થા પર ખૂબ ખરાબ પડવાની છે. વર્લ્ડ બેંકએ પોતાના નવા રિપોર્ટ ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટમાં તેને લઈને ચિંતા વ્યક્ત કરી છે. વર્લ્ડ બેંકના પ્રેસિડન્ટ ડેવિડ મલપાસ અનુસાર ૧૮૭૦ બાદ આ પહેલો પ્રસંગ હશે, જ્યારે મહામારીના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી આવશે. આ વાત તેમણે તેમની ભૂમિકામાં કહી છે. નોંધનીય છે કે, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ૧૮૭૦ બાદ અત્યાર સુધી ૧૪ વાર મંદી આવી છે. આ મંદી ૧૮૭૬, ૧૮૮૫, ૧૮૯૩, ૧૯૦૮, ૧૯૧૪, ૧૯૧૭-૨૧, ૧૯૩૦-૩૨, ૧૯૩૮, ૧૯૪૫-૪૬, ૧૯૭૫, ૧૯૮૨, ૧૯૯૧, ૨૦૦૯ અને ૨૦૨૦માં આવી છે.
વર્લ્ડ બેંક ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિ વ્યક્તિ આવકમાં ૩.૬ ટકા ઘટાડો થવાની આશંકા છે. તેના કારણે આ વર્ષે કરોડો લોકો ભીષણ ગરીબીમાં ફસાઈ જશે. જે દેશોમાં મહામારીનો સૌથી વધુ પ્રસાર થશે અને ત્યાંની અર્થવ્યવસ્થા વૈશ્વિક વેપાર, પર્યટન, કમોડિટી નિકાસ અને એક્સટર્નલ ફાઇનાન્સિંગ પર વધુ નિર્ભર હેશ, ત્યાં ગરીબી સૌથી વધુ વધશે.
કોરોના વાયરસના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં બીજા વિશ્વ યુદ્ધ બાદ સૌથી વધુ મંદી આવશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ૫.૨ ટકાનો ઘટાડો આવી જશે.
ભારત સહિત દુનિયાભરની અર્થવ્યવસ્થા પર શું થશે અસર? વિશ્વ બેંકે એ વાતની આશંકા વ્યક્ત કરી છે કે આ વર્ષે ભારતીય અર્થવ્યવસ્થામાં ૩.૨ ટકાનો ઘટાડો આવશે.
નોંધનીય છે કે, આ દર ૨૦૧૭માં ૭ ટકા હતો, જે ૨૦૧૮માં ઘટીને ૬.૧ ટકા રહી ગઈ. ૨૦૧૯-૨૦માં તે વધુ ઘટી અને ૪.૨ ટકા પર પહોંચી ગયો. કોરોના વાયરસ અને લૉકડાઉનની અસલી અસર આ નાણાકીય વર્ષમાં જોવા મળશે.
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વર્ષે વિકસિત દેશોની અર્થવ્યવસ્થા ૭ ટકા થઇ જશે અને વિકાસશીલ દેશોની ઇકોનોમીમાં પણ ૨.૫ ટકાનો ઘટાડો આવી શકે છે.