કલકત્તા : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીને બુધવારે(૬ જાન્યુઆરી)એ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. આ અંગેની માહિતી તેમની મેડિકલ ટીમે આપી છે. કોલકત્તા વુડલેન્ડ હોસ્પિટલના એમડી અને સીઈઓ ડૉ. રૂપાલી બસુએ કહ્યુ કે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને કાલે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. ઘરે તેમની રોજ મેડિકલ કેર કરવામાં આવશે. તેમના ઘરે ડૉક્ટર દ્વારા રોજ ચેક અપ કરવામાં આવશે. વળી, મેડિકલ ટીમના એક સભ્યએ માહિતી આપી કે આજે કાર્ડિયાક સર્જન ડૉ. દેવી શેટ્ટી સૌરવ ગાંગુલીને ચેક કરશે તે બાદ તેમને કાલે હોસ્પિટલથી ઘરે જવા દેવામાં આવશે.
વુડલેન્ડ હોસ્પિટલના સીઈઓ અને એમડીએ કહ્યુ કે સૌરવ ગાંગુલી આવતા ૨-૩ સપ્તાહ બાદ બીજી મેડિકલ પ્રોસિજર માટે તૈયાર હશે. સૌરવ ગાંગુલીની એંજિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. સૌરવને છાતીમાં દુઃખાવાના કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જો કે ડૉક્ટરોએ કહ્યુ છે કે હાલમાં તેમની સ્થિતિ ઠીક છે, તે સ્થિર છે. તેમની એંજિયોપ્લાસ્ટી સફળ રહી છે. સૌરવ ગાંગુલીના હ્રદયમાં બે બ્લોકેજ છે જેના માટે તેમની એંજિયોપ્લાસ્ટી કરાઈ છે. તેમની ધમનીમાં ૯૦ ટકા બ્લોકેજ છે.