પુણે : વિરાટ કોહલીની સેના ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટી-૨૦ શ્રેણી ૩-૨થી જીત્યા બાદ ખૂબ ઉત્સાહિત છે. હવે ટીમ ઈન્ડિયા ૩ મેચની વનડે સિરીઝમાં ભાગ લેવા માટે પુણે પહોંચી ગઈ છે.
બીસીસીઆઈએ તેના ટિ્વટર એકાઉન્ટ પર ટીમ ઈન્ડિયાની ફ્લાઇટનો વીડિયો શેર કર્યો છે. અમદાવાદથી પુણે સુધીની યાત્રામાં ભારતીય ક્રિકેટરોની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. ફ્લાઇટના ક્રૂ પીપીઈ કિટમાં વીડિયોમાં દેખાયા હતા.
મહારાષ્ટ્રમાં કોવિડ ૧૯ના ૩૦,૫૩૫ નવા કેસ નોંધાયા છે, જે આજદિન સુધીના સૌથી વધુ દૈનિક કેસ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોની સલામતીને કારણે અનેક સાવચેતી પગલા લેવામાં આવી રહ્યા છે.
પુણેમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે મેચની શ્રેણી કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે ખાલી સ્ટેડિયમમાં રમાશે. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (એમસીએ) દ્વારા ફેબ્રુઆરી મહિનામાં આ માહિતી આપવામાં આવી હતી.