સૂરત : ૫૦૮ કિ.મી. અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ કોરિડોરનો પાયો સૌથી પહેલાં વલસાડમાં નંખાયો છે. તેની સાથે પિલરનું નિર્માણ શરૂ થઇ ગયું છે. યોજનામાં સૌથી પહેલા કામની શરૂઆત સી-૪ પેકેજમાં વાપી-સૂરત-વડોદરા વચ્ચે ૨૩૭ કિ.મી. રુટથી થઈ છે.
અગાઉ ડિસેમ્બર ૨૦૨૦માં સૂરતના વક્તાના ગામમાં જ જિયોટેક્નિકલ સરવે શરૂ કરાયો હતો. નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ(મેનેજિંગ ડિરેક્ટર અંચલ ખરેએ સૂરતથી વલસાડ વચ્ચે બુલેટ ટ્રેન માટે ચિહ્નિત રુટનું નિરીક્ષણ કર્યું. તેના પછી વલસાડમાં બુલેટ ટ્રેન કોરિડોરનું પ્રથમ પિલર બનાવવા કોન્ક્રિટિંગ કામ શરૂ કરાયું.
મેનેજિંગ ડિરેક્ટર અંચલ ખરેએ સી-૪ પેકેજની સાઈટનું નિરીક્ષણ કર્યું અને તેની સાથે વલસાડથી બુલેટ ટ્રેનના ફાઉન્ડેશનનું કામ શરૂ થઈ ગયું. પેકેજ સી-૪માં સૂરત ડેપો ઉપરાંત ભરુચ, સૂરત, બિલિમોરા અને વાપી સ્ટેશન બનશે.