લંડન : કરોડોના બેંક છેતરપિંડીના કેસમાં ભાગેડુ જાહેર કરાયેલા દારૂના વ્યવસાયી વિજય માલ્યાને તેના કાનૂની ખર્ચ અને જીવન નિર્વાહ ખર્ચને પહોંચી વળવા લંડનની કોર્ટ તરફથી આર્થિક સહાય મળી છે. લંડન હાઇકોર્ટે માલ્યાને તેના ફંડમાંથી ૧૧ મિલિયન પાઉન્ડ (આશરે ૧૧ કરોડ રૂપિયા) આપવાનો નિર્ણય કર્યો છે.
નાયબ ઇનસોલ્વન્સી અને કંપની કોર્ટના ન્યાયાધીશ નિગેલ બાર્નેટે એસબીઆઈની આગેવાની હેઠળની ભારતીય બેંકોના જૂથ દ્વારા નાદારીની કાર્યવાહી હેઠળ કોર્ટની ભંડોળ ઓફીસમાં થાપણો સુધી માલ્યાને પ્રવેશ આપવા સુનાવણી હાથ ધરી હતી.
નવા આદેશ અનુસાર, માલ્યાને કોર્ટના ભંડોળમાંથી કેટલાક પૈસા ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે. આ પૈસાથી, તે તેના જીવન નિર્વાહ અને કાનૂની પ્રક્રિયાનો ખર્ચ ચૂકવી શકશે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશે કહ્યું, “માલ્યા આ મામલે અત્યાર સુધીમાં બે પાસાઓમાં સફળ રહ્યો છે, જ્યારે અરજદાર ભારતીય બેંક માલ્યાની અરજી સામે પક્ષ મૂકવામાં મોટા પ્રમાણમાં સફળ રહ્યા છે.
કોર્ટે કહ્યું કે, અરજીની સુનાવણી વખતે કાનૂની ખર્ચ થવો સ્વાભાવિક છે, હવે સવાલ એ છે કે આ ખર્ચ કેવી રીતે ચૂકવવામાં આવશે. તેથી, માલ્યાને હવે આ ખર્ચ ચૂકવવા માટે કોર્ટના ભંડોળમાંથી નાણાં આપવા જોઈએ, જોકે કોર્ટે કહ્યું હતું કે નાદારી કેસમાં નિર્ણય થયા પછી માલ્યાએ આ પૈસા ક્યાં અને કઈ વસ્તુઓમાં ખર્ચ કર્યા તેની તપાસ કરવામાં આવશે.