બંગાળમાં બેનાં મોત, મહારાષ્ટ્રમાં કોરોનાના ૩૦૦થી વધુ કેસ…
૧૩૩ સ્વસ્થ થયા, મ.પ્રદેશમાં ૨૦ કોરોનાના નવા કેસ નોંધાયા જેમાંથી ઇન્દોરમાં એક જ પરિવારના નવ લોકો સંક્રમિત…
ન્યુ દિલ્હી : સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે કોરોનાનું સંકટ વધી રહ્યુ છે. અને ત્રણ લોકોના વધુ મોત થતા દેશમાં કુલ મૃત્યુઆંક ૫૨ સુધી પહોંચી ગયો છે. જ્યારે આજે આંધ્રપ્રદેશમાં સૌથી વધુ ૪૩ નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ૨૩ નવા કેસ સાથે રાજ્યમાં કુલ ૩૨૫ પોઝીટીવ કેસ થયા છે. જ્યારે દિલ્હીમાં કોરોનાના કુલ કેસ ૧૨૧ થયા છે. ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધી રહી છે. આજે બુધવારે ભારતમાં કોરોના વાયરસના સંક્રમણનો આંકડો વધીને ૧૭૧૮ પર પહોંચ્યો છે. અસમમાં કોરોનાનો એક પોઝિટીવ કેસ નોંધાયો છે. આસામના કરીમગંજ જિલ્લાના સ્થાનિક ૫૨ વર્ષના વ્યક્તિમાં કોરોના સંક્રમણ જોવા મળ્યુ. દિલ્હીના સરકારી હોસ્પિટલના એક ડોક્ટર કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
કોરોના પોઝિટિવમાંથી ૧૩૩ લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે સવારે આ આંકડા જારી કર્યા છે. ગત ૨૪ કલાકમાં જ કોરોના વાયરસના ૨૪૦ નવા કેસ સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં કોરોનાથી ગત ૨૪ કલાકમાં જ બે કોરોના ગ્રસ્ત વ્યક્તિનું મોત થયું છે. આમ પ.બંગાળમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૬ લોકોના મોત થઇ ચૂક્યા છે. કોરોનાના સંક્રમણના કારણે ઈન્દોરમાં ૬૫ વર્ષીય વ્યક્તિનું નિધન થયું છે.
દિલ્હી, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી છે. મંગળવારે મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ ના ૭૨ નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા ૩૦૨ પર પહોંચી ગઈ છે. કેરળમાં આજે કોરોના વાયરસના સાત નવા કેસ નોંધાયા છે. જે બાદ અહીં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૨૪૧ થઈ ગઈ છે. આજે તમિળનાડુમાં ૫૫ નવા કેસ છે. આમાંથી ૫૦ એવા લોકો છે કે જેમણે દિલ્હીમાં નિઝામુદ્દીન મરકજ સંમેલનમાં ભાગ લીધો હતો. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૧૨૪ થઈ ગઈ છે.
મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના નવા ૨૦ કેસ સામે આવ્યા છે. જેમા ઇન્દોરમાં ૧૯ અને એક ખરગોનમાં નોંધાયા છે. ચિંતાજનક બાબત છે કે ઇન્દોરથી જે મામલા સામે આવ્યા છે જેમાંથી ૯ એક જ પરિવારમાં નોંધાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે ઇન્દોરના તંજીમ નગરમાં રહેતા પરિવારના ૩ બાળકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. આ બાળકોની ઉંમર ૩ વર્ષ, ૫ વર્ષ અને ૮ વર્ષ છે.