કુલ કેસ ૮૭.૨૮ લાખ થયા…
ન્યુ દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા આંકડા પ્રમાણે ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો વધીને શુક્રવારે ૮૭.૨૮ લાખ પર પહોંચી ગયો છે, એક દિવસમાં ૪૪,૮૭૯ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૮૧,૧૫,૫૮૦ દર્દીઓ સાજા થઈ ગયા છે જેની ટકાવારી ૯૨.૯૭% થાય છે. દિવાળીના તહેવારના કારણે બજારોમાં વધતી ભીડ ચિંતાનું કારણ બની રહ્યા છે. ભારતના વિવિધ રાજ્યોમાં કોરોના વધુ વકરે નહીં તે માટે પગલા ભરવામાં આવી રહ્યા છે પરંતુ ભીડવાળા વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે.
પાછલા ૨૪ કલાકમાં ૫૪૭ લોકોએ જીવ ગુમાવ્યો છે, જેની સાથે કુલ મૃત્યુ પામનારા લોકોનો આંકડો ૧,૨૮,૬૬૮ થાય છે, જ્યારે કુલ કેસનો આંકડો સવારના ૮ વાગ્યા સુધીમાં ૮૭,૨૮,૭૯૫ થાય છે.
કોરોના ફર્ટિલિટી રેટ ૧.૪૭% થયો છે, જ્યારે હાલ એક્ટિવ કેસનો આંકડો ૪,૮૭,૫૪૭ પર પહોંચ્યો છે, જેની ટકાવારી ૫.૫૫% થાય છે.
આઇસીએમઆર મુજબ અત્યાર સુધીમાં ૧૨,૩૧,૦૧,૭૩૯ કોરોના સેમ્પલ લેવામાં આવ્યા છે, જ્યારે ગુરુવારે ૧૧,૩૯,૨૩૦ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
જોન હોપકિન્સ યુનિવર્સિટી મુજબ દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસના કેસનો આંકડો ૫ કરોડને પાર થઈ ગયો છે, ૧૨ લાખ કરતા વધારે લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.
યુનિવર્સિટીના મુજબ શુક્રવારે સવારે કોરોનાના કુલ કેસનો આંકડો ૫૨,૬૪૩,૯૩૯ થઈ ગયો છે અને ૧૨,૯૧,૯૨૧ લોકોએ જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં સૌથી વધારે ૧૦,૫૩૫,૮૨૮ લોકોને કોરોના થયો છે અને ૨૪૨,૬૫૪ લોકોએ જીવ ગુમાવ્યો છે.