ન્યુ દિલ્હી : ભારતીય ફૂટબોલ ટીમના સ્ટ્રાઈકર સુનીલ છેત્રી આર્જેન્ટિનાના સુપર સ્ટાર લિયોનેલ મેસ્સીને પાછળ છોડીને સૌથી વધારે ગોલ કરનાર સક્રિયા ખેલાડીઓના લિસ્ટમાં બીજા ક્રમે પહોંચી ગયો છે. ૩૬ વર્ષીય છેત્રીએ ફીફા વર્લ્ડ કપ ૨૦૨૨ અને એ.એફ.સી એશિયાઈ કપ ૨૦૨૩ના સંયુક્ત ક્વોલિફાયિંગ મેચમાં બાંગ્લાદેશની સામે ભારત તરફથી બે ગોલ કર્યા હતા. આ રીતે તેના કુલ ઈન્ટરનેશનલ ગોલની સંખ્યા ૭૪ થઈ ગઈ છે.
વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ભારતની છેલ્લા છ વર્ષોમાં પહેલી જીતના નાયક છેત્રી સૌથી વધારે ગોલ કરનાર સક્રિય ખેલાડીઓનાં લિસ્ટમાં ફક્ત પોર્ટુગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડો (૧૦૩)થી પાછળ છે. છેત્રી બાર્સિલોનાના સ્ટાર મેસ્સીથી બે અને યુએઈના અલી મખબૌતથી એક ગોલ આગળ છે. મખબૌત ૭૩ ગોલની સાથે ત્રીજા સ્થાન પર છે.
મેસ્સીએ ગત ગુરુવારે ચિલીની સામે વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં પોતાનો ૭૨મો ઈન્ટરનેશનલ ગોલ કર્યો હતો જ્યારે મખબૌતે મલેશિયાની સામે પોતાની ગોલ સંખ્યામાં વધારો કર્યો હતો.
છેત્રીએ સોમવરે જાસિમ બિન હમાદ સ્ટેડિયમમાં ૭૯મી મિનિટમાં પહેલો ગોલ કર્યો હતો અને પછી ઈન્જરી ટાઈમમાં બીજો ગોલ કરીને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી. ભારતીય કેપ્ટન સર્વાધિક ગોલ કરનાર ખેલાડીયોની સર્વકાલિક લિસ્ટમાં ટોપ ૧૦માં પહોંચવાથી માત્ર એક ગોલ દૂર છે. તે હંગરીના સેન્ડો કોકસિસ, જાપાનના કુનિશિગે કમામોતો અને કુવૈતના બાશર અબ્દુલ્લાહથી એક ગોલ પાછળ છે. આ ત્રણેયએ ૭૫ ગોલ કર્યાં છે.