પાકિસ્તાને ફાયરિંગ કરતા ૪ વર્ષીય બાળક ઘાયલ, બે મકાનને નુકસાન…
શ્રીનગર : બારામુલામાં એલઓસી નજીક ઉરી સેક્ટરના વિસ્તારોમાં ગુરૂવારે પાકિસ્તાની સેનાએ કરેલા ફાયરીંગમાં ચાર વર્ષના બાળકને ઈજા પહોંચી છે તેમજ બે મકાનને નુકસાન પહોંચ્યુ છે.
ભારતીય સેનાએ પણ ફાયરીંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. સૂત્રો અનુસાર સેનાની જવાબી કાર્યવાહીમાં બે પાકિસ્તાન સૈનિકો માર્યા ગયા છે જ્યારે પાકિસ્તાનની એક ચોકીને ભારે નુકસાન પહોંચ્યુ છે. છેલ્લા ૨૫ દિવસમાં ઉરી સેક્ટરમાં સીઝફાયરના ઉલ્લંઘનની આ ચોથી ઘટના છે.
સૂત્રો અનુસાર સાંજે લગભગ ચાર વાગે પાકિસ્તાની સૈનિકોએ ઉરી સેક્ટરમાં એલઓસીના વિસ્તારોમાં ભારતના સિલીકોટ, ચુરૂંડા, ઢકીકોટ, નાંબલા, હથલંગા અને નજીકના વિસ્તારોમાં ફાયરીંગ શરૂ કરી દીધી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, પાકિસ્તાની સેના તોપખાનાનો ઉપયોગ કરી રહી છે.
ઈજાગ્રસ્ત બાળકને ગામના લોકોએ સેનાની મદદથી શેર-એ-કાશ્મીર આર્યુવિજ્ઞાન સંસ્થા સૌરામાં દાખલ કર્યો છે. ભારતીય જવાનોએ પણ પાકિસ્તાની ઠેકાણા પર ફાયરીંગ કર્યુ. ફાયરીંગ મોડી રાત સુધી ચાલ્યુ હતુ. આ સાથે જ સમગ્ર ઉત્તરી કાશ્મીરના મહત્વના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવાઈ છે.