ન્યુ દિલ્હી : કેન્દ્ર સરકારે મંગળવારના રોજ સ્પષ્ટતા કરી કે બીજા દેશોને કોરોના રસી મોકલવાનું પગલું ભારતીયોની કિંમત પર ઉઠાવ્યું નથી. સરકારે કહ્યું કે ‘આખો સંસાર, આપણો પરિવાર’ અને ‘વિજ્ઞાનનો લાભ આખી માનવજાતિને મળવો જોઇએ’ના વિચારની સાથે ભારત બીજા દેશોને કોવિડ-૧૯ એન્ટી રસી મોકલી રહ્યું છે.
રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમ્યાન કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે સોમવાર સુધીમાં ભારતે ૭૨ દેશોને રસીના ૫.૯૪ કરોડ ડોઝ મોકલી દીધા છે. તેમણે ભારતમાં રસીકરણની ઝડપને લઇ ઉઠાવામાં આવી રહેલા પ્રશ્નોને પણ નકારી દીધા અને કહ્યું કે ગઇકાલે સોમવારના રોજ માત્ર એક જ દિવસમાં ૩૦,૩૯,૩૯૪ લોકોનું રસીકરણ કરાયું છે.
સમાજવાદી પાર્ટીના સુખરામ સિંહ યાદવે કેન્દ્ર સરકાર પાસેથી જાણવાની ઇચ્છા વ્યકત કરી હતી કે તેઓ કોરોના રસી વિદેશોમાં તો મોકલી રહ્યા છે પરંતુ હિન્દુસ્તાનમાં ખૂબ જ ઓછી સંખ્યામાં લોકોને રસી અપાઇ રહી છે. તેના જવાબમાં હર્ષવર્ધને કહ્યું કે ભારતના લોકોને રસી અપાઇ રહી છે કે વિદેશોમાં મોકલાઇ રહી છેપકોઇપણ કિંમતે ભારતના લોકોના ભોગે વિદેશોમાં રસી મોકલાતી નથી.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આજે આખું વિશ્વ આ પગલાં માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ગઇકાલ સુધી ૭૨ દેશોને રસીના ૫.૯૪ કરોડ ડોઝ મોકલાઇ ચૂકયા છે.