મેલબર્ન : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી ૭મી જાન્યુઆરીથી ત્રીજી ટેસ્ટ શરૂ થઇ રહી છે. ચાર મેચો સીરીઝમાં બન્ને ટીમો એક-એક મેચ જીતીને બરાબરી પર છે. બન્ને ટીમો માટે આગળની બન્ને ટેસ્ટ જીતવી જરૂરી છે. બૉક્સિંગ ડે ટેસ્ટમાં મળેલી કારમી હાર બાદ ગભરાયેલી ઓસ્ટ્રેલિયન ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, વનડે સીરીઝ દરમિયાન ગ્રોઇંગ ઇન્જરીના કારણે ઘાયલ થયેલા ડેવિડ વોર્નરને ફરીથી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરની વાપસી થતાં જ ખરાબ ફોર્મમાં ચાલી રહેલા જો બર્ન્સને ટીમમાંથી બહાર કરાયો છે. બર્ન્સને બહાર કરવા ઉપરાંત કાંગારુ ટીમે યુવા ઓપનર વિલ પુકોવસ્કીને પણ સિડની ટેસ્ટ માટે ફિટ જાહેર કર્યો છે. પુકોવસ્કીનુ ડેબ્યૂ કન્ફોર્મ માનવામાં આવી રહ્યું છે. ત્રીજી ટેસ્ટમાં ભારતને ટક્કર આપવા માટે કાંગારુ ટીમે ઇજાગ્રસ્ત વોર્નરની વાપસી કરાવી છે.
ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેને પહેલાથી જ વોર્નરની વાપસીના સંકેત આપી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં મેથ્યૂ વેડે ઓપનિંગની જવાબદારી સંભાળી હતી, હવે વેડ ફરી એકવાર મિડલ ઓર્ડરમાં રમતો દેખાશે. મિડલ ઓર્ડરમાંથી ટ્રેવિડ હેડને પણ બહાર કરાયો છે.