અંકલેશ્વર : વૈશ્વિક કોરોના મહામારીને કારણે હજારો લોકો સંક્રમિત થયા છે અને સેંકડોએ જાનથી હાથ ધોયા છે. હાલના સમયમાં કોરોનની કોઈ દવા શોધાઈ નથી. ત્યારે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ અને વેક્સિન કોરોના સામેની લડતમાં મજબૂત હથિયાર માનવામાં આવી રહ્યાં છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિનને હાલમાં માન્યતાપ્રાપ્ત અપાઈ છે. દેશમાં દરેક નાગરિકને વેક્સિનની જરૂર છે. ત્યારે ઉત્પાદન વધારવા પર ભાર અપાઈ રહ્યો છે. હવે ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનનું ઉત્પાદન અંકલેશ્વરમાં થવા જઈ રહ્યું છે.
ભારત બાયોટેકના કો-ફાઉન્ડર અને જેએમડી સૂચિત્રા એલ્લાએ ટ્વીટ દ્વારા જાણકારી આપી છે કે અંકલેશ્વરસ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccinesમાં ઉત્પાદન શરૂ કરશે. જૂનના પહેલા સપ્તાહથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ થઈ શકે છે, જ્યારે ટૂંક સમયમાં કંપનીની બે લાઈનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણ શરૂ થઇ જશે.
હાલમાં હૈદરાબાદ અને બેંગલુરુમાં મોટે પાયે વેક્સિનનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. દેશમાં વેક્સિનની મોટી માંગના કારણે હવે અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે. અંકલેશ્વરસ્થિત સબસિડરી Chiron Behring Vaccinesની વાર્ષિક ૨૦૦ મિલિયન ડોઝ ઉત્પાદનક્ષમતા છે. યુનિટ એના રેબિટ્સની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.