ન્યૂઝીલેન્ડ ૨૩૫માં ઓલઆઉટ,ભારતને સાત રનની લીડ…
શમીએ ૪,બુમરાહે ત્રણ વિકેટ ઝડપી,રવિન્દ્ર જાડેજાને બે વિકેટ મળી…
બીજી ઇનિંગમાં ભારતના બેટ્સમેનોનો ફ્લૉપ શૉ યથાવત્,ટ્રેન્ટ બોલ્ટની ત્રણ વિકેટ,બીજી ઈનિંગમાં ભારતની કુલ લીડ ૯૭ રન…
ક્રાઇસ્ટર્ચ : ભારતીય બૉલરોએ સારી બૉલિંગ કરીને ન્યૂઝીલૅન્ડને ૨૩૫ રનમાં ઑલ આઉટ કરીને સાત રનની લીડ અપાવી હતી. ભારત તરફથી મોહમ્મ્દ શમી ૪, જસપ્રીત બુમરાહે ૩, રવીન્દ્ર જાડેજાએ ૨ અને ઉમેશ યાદવે ૧ વિકેટ લીધી છે. મૅચનો બીજો દિવસ પૂર્ણ થાય ત્યાં સુધીમાં ન્યૂઝીલૅન્ડને ઑલઆઉટ કરી ભારત બીજી ઇનિંગ રમવા આવ્યું હતું.
જોકે, બીજી ઇનિંગમાં ફરીથી ભારતીય બૅટ્સમૅન રન બનાવી શક્યા ન હતા અને ૯૦ રનમાં ભારતે છ વિકેટ ગુમાવી હતી. ભારત તરફથી સૌથી વધારે રન ચેતેશ્વર પુજારા(૨૪)એ બનાવ્યા હતા. વિરાટ કોહલી અને પૃથ્વી શો ૧૪-૧૪ રન બનાવીને આઉટ થયા હતા.
જ્યારે બાકીના તમામ ખેલાડી બેવડી સંખ્યામાં પણ રન બનાવી નહોતા શક્યા. હાલ રિષભ પંત(૧*) અને હનુમા વિહારી(૫*) રમી રહ્યા છે. ન્યૂઝીલૅન્ડના ટ્રૅન્ટ બૉલ્ટે ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે સાઉથી, ગ્રાન્ડહોમ અને વૅન્ગરે એક-એક વિકેટ ઝડપી છે. ન્યૂઝીલૅન્ડે બીજા દિવસે ૧૫૩ રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ પાછલા ક્રમના ખેલાડીઓએ ટીમનો સ્કોર ૨૩૫ રન પહોંચાડ્યો હતો.
ભારતીય બૉલરો ફરીથી પાછળના ક્રમના બૅટ્સમૅનોને જલદી આઉટ કરી શક્યા ન હતા. પાછળના ક્રમના ખેલાડીઓએ ૮૨ રન ઉમેર્યા. નવમા ક્રમે આવેલા કાયલ જેમિસને ૪૯ રન બનાવ્યા, જ્યારે દસમા ક્રમના ખેલાડી નીલ વૅગનરે ૨૧ રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજાએ શમીની ઑવરમાં નીલ વૅગનરનો અદ્દભુત કૅચ કરતા તે આઉટ થયા હતા. આ પહેલાં રવીન્દ્ર જાડેજા કોલિન ડી ગ્રૅન્ડહોમ અને કાયલ જેમિશનની પાર્ટનરશિપને તોડીને મૅચમાં ભારતને પરત લાવ્યા હતા.
દિવસના પ્રથમ સેશનમાં રોસ ટેલરનો અદ્દભુત કૅચ પણ જાડેજાએ કર્યો હતો. ન્યૂઝીલૅન્ડ તરફથી સૌથી વધુ રન ટોમ લાથમે (૫૨) રન બનાવ્યા હતા.
શનિવારે મૅચના પ્રથમ દિવસે ફરી એક વાર ભારતની બેટિંગ નબળી રહી હતી અને ટીમ ૨૪૨ રનમાં ઑલ આઉટ થઈ ગઈ હતી. પ્રથમ દિવસની રમતને અંતે ન્યૂઝીલૅન્ડનો પહેલી ઇનિંગમાં સ્કોર વિના વિકેટે ૬૩ રન હતો.