૪૨૭ જિલ્લામાં કોરોનાનો ઓછામાં ઓછા એક દર્દી, પરંતુ અહીંયા ટેસ્ટિંગ લેબ નથી…
મહારાષ્ટ્રના ૩૬માંથી ૨૦ અને ગુજરાતના ૩૩માંથી ૨૫ જિલ્લામાં લેબ નથી…!
ન્યુ દિલ્હી : દેશમાં કોરોના મહામારીને રોકવા ભારતમાં લોકડાઉન-૪નો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે કોઇ દર્દીમાં કોરોનાના પોઝીટીવ લક્ષણો છે કે નહીં તેના ટેસ્ટીંગ માટેનો વિવાદ ચાલી રહ્યો છે તો બીજી બાજુ દેશમાં ૭૧૭ જિલ્લામાંથી ૪૨૭ જિલ્લા એવા છે જ્યાં ઓછોમાં ઓછા એક જ કોરોના સંક્રમિત કેસ છે. પરંતુ એક પણ ટેસ્ટિંગ લેબ નથી. જેનો અર્થ તો એ જ થયો કે જો આ જિલ્લામાં કોરોના સંક્રમિત મળે પણ છે, તો તેનો ટેસ્ટ રિપોર્ટ આવવામાં જ ટાઈમ લાગી જશે. કારણ કે તેમને આરટી-પીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ અન્ય જિલ્લામાં મોકલવું પડે છે. તો બીજી તરફ ૧૦૪ જિલ્લા એવા પણ છે જ્યાં કોરોનાનો એક પણ દર્દી નથી અને એક પણ ટેસ્ટિંગ લેબ નથી….!!
સૂત્રોએ કહ્યું કે, દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧.૫ લાખની નજીક પહોંચી ગઈ છે. મોતનો આંકડો પણ ૪ હજારની પાર પહોંચી ગયો છે. કેસ વધવાનું એક કારણ ટેસ્ટિંગમાં વધારો કરવાનું પણ છે. ગત એક સપ્તાહથી દરરોજ લગભગ ૧ લાખ ટેસ્ટ કરાઈ રહ્યા છે. અને ૨૬ મે સુધી ૩૧.૨૬ લાખથી વધારે ટેસ્ટ થઈ ચુક્યા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ- આઈસીએમઆરે ગત દિવસોમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, હવે ટેસ્ટિંગ પર જ ભાર આપવામાં આવી રહ્યો છે. આઈસીએમઆરના જણાવ્યાં પ્રમાણે, ૨૬ મે સુધી દેશમાં આરટી-પીસીઆર માટે ૪૫૩ લેબ છે. જેમાંથી ૩૦૪ સરકારી અને ૧૪૯ ખાનગી લેબ છે. આરટી-પીસીઆર સિવાય ટ્રૂનેટ ટેસ્ટ માટે ૧૦૫ અને સીબીએનએએટી માટે ૫૪ લેબ છે. જો કે કોરોનાની તપાસ માટે આરટી-પીસીઆર ટેસ્ટ જ સૌથી વધારે જરૂરી છે.
પરંતુ હાલ પણ દેશના ૫૩૧ જિલ્લામાં કોરોનાની તપાસ માટે આરટી-પીસીઆર ટેસ્ટિંગ લેબ જ નથી. દેશમાં ૩૭ રાજ્યોમાં ૭૩૩ જિલ્લા છે. અમારી પાસે ૭૧૭ જિલ્લાનો ડેટા છે. જેમાંથી ૧૮૬ જિલ્લા જ એવા છે, જેમાં ટેસ્ટિંગ લેબ છે. ઘણા જિલ્લામાંથી એકથી વધુ ટેસ્ટિંગ લેબ પણ છે. જેમ કે મુંબઈમાં જ આરટી-પીસીઆર માટે ૯ ટેસ્ટિંગ લેબ છે.