સુરત : દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી પડેલા ભારે વરસાદ અને ખાડીપુરની સ્થિતિના પગલે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા ડાંગરના ખેતરોમાં પાણી ફરી વળતા સમગ્ર પાક પાણીમાં ગરકાવ થઇ ગયો છે. જ્યાં માત્ર સુરત જિલ્લામાં ૧૧૦૦ હેક્ટરમાં કરવામાં આવેલા ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયા હોવાનો દાવો દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં આ વખતે વરસાદે મોડે મોડે ધમાકેદાર ઇનિંગ કરતા તેની અસર સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે. છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા ભારે વરસાદના પગલે જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ડાંગર શેરડી અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયા હોવાનો દાવો દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કરાયો છે. જેમાં માત્ર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા ખેતરોમાં ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઇ જતાં મોટા પાયે નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું છે કે, આ વખતે વરસાદ મોડે આવ્યો છતાં છેલ્લા એ સપ્તાહ દરમિયાન ભારે વરસાદ પડ્યો છે.જેમાં સુરત જિલ્લાના ગામડાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લા અને તાલુકાઓમાં પણ ભારે વરસાદના કારણે ડાંગર,શાકભાજી અને શેરડીના પાકને વ્યાપક નુકશાન થયું છે. આશરે ૧૦૦ કરોડના નુક્શાનનો અંદાઝ છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ૫૦ ટકા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો છે.