વડાપ્રધાન મોદીને પાઠવી શુભેચ્છા…
ગાંધીનગર : તીર્થક્ષેત્ર અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર રામમંદિરના શિલાન્યાસનો ઉમંગ દેશભરમાં કરોડો હિન્દુઓ માં છવાયો છે. કરોડો હિન્દુઓની આસ્થા આ ભવ્ય મંદિર રૂપે સાકાર થઈ રહી છે ત્યારે તેના શિલાન્યાસ પ્રસંગે અવસરે અનેક સંતો- મહંતો- આચાર્યો-ભક્તો પોતાની યતકિંચિત ભક્તિ અદા કરી રહ્યા છે. નેનપુર ખાતે બિરાજતા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજે આજે રક્ષાબંધનના પવિત્ર પર્વે શ્રી રામ જન્મભૂમિ પર થનાર શિલાન્યાસ વિધિ માટે શ્રીરામયંત્રનું વૈદિક પૂજન કરીને આ મંદિર વહેલામાં વહેલી તકે સાકાર થાય તેવી શ્રદ્ધા અને પ્રાર્થના વ્યક્ત કરી છે.
તેઓએ જણાવ્યું કે ગુરુ પૂજ્ય યોગીજી મહારાજ અને પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે શ્રી રામમંદિર માટે વર્ષો સુધી સતત પ્રાર્થના કરીને લાખો ભક્તોને તેમાં જોડાવાની પ્રેરણા આપી હતી અને સૌમાં વિશ્વાસ પ્રગટાવ્યો હતો કે શ્રી રામ જન્મભૂમિ પર જરૂર શ્રીરામમંદિર બનશે જ. અનેક મહાત્માઓ-સંતો-ભક્તોના તપ, સમર્પણ, બલિદાન અને પ્રાર્થનાની વેદી પર આ શ્રીરામમંદિરના નિર્માણનો આરંભ થાય છે ત્યારે, તેમાં જોડાયેલા સૌ કાર્યવાહકો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભારત સરકાર અને ભારતીય ન્યાયતંત્ર સહિત સૌને અભિનંદન સાથે હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. તેઓને શ્રી રામ જન્મભૂમિ શિલાન્યાસ પ્રસંગે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે, પરંતુ પ્રતિકૂળ સંજોગોને કારણે તેઓ દ્વારા પૂજિત શ્રીરામ યંત્ર લઈને, તેઓના વતી, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી તથા પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી આવતીકાલે મંગળવારે અયોધ્યા જવા વિદાય લેશે અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના લાખો ભક્તો-સંતો વતી પુષ્પાંજલિ અર્પણ કરશે.