આણંદ : રાજયમાં કોરોના વાયરસની કામગીરીમાં ફરજ બજાવતા અને સંક્રમણના કારણે અવસાન પામેલા કોરોના વોરિયર્સના કુટુંબીજનોને આવકની મર્યાદા ધ્યાને લીધા વિના મુખ્યમંત્રી અમૃતમ મા વાત્સલ્ય યોજનાનો લાભ આપવા રાજય સરકારે જાહેર કર્યુ છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા આજે પરિપત્ર જારી કરાયો હતો. જેમાં રાજય સરકારે ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ (પ વ્યકિત)ને ગંભીર બિમારીઓ માટે કેશલેસ સારવાર મળી રહે અને આર્થિક રીતે ખર્ચાળ રોગોમાં ગરીબી રેખા હેઠળના, મધ્યમ વર્ગના પરિવારોને મદદરુપ થવાના હેતુસર મુખ્યમંત્રી અમૃતમ મા યોજના અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના અમલમાં છે. કોરોના મહામારીની કામગીરીમાં ફરજ બજાવતા અને સંક્રમણના કારણે અવસાન પામેલા કર્મચારીઓ (કોર્પોરેશનના કર્મચારી સહિત)ના કુટુંબીજનો સાથે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મુખ્યમંત્રી દ્વારા અવસાન પામેલ કોરોના વોરિયર્સના કુટુંબીજનોને આવકની મર્યાદા ધ્યાને લીધા વિના મુખ્યમંત્રી અમૃતમ મા વાત્સલ્ય યોજનાનો લાભ આપવાનું જાહેર કર્યુ હતું. જે અંગે આજે ઠરાવ કરાયો હતો. જેમાં લાભાર્થી કુટુંબની પાત્રતામાં રાજયમાં સંક્રમણના કારણે થયેલ સંજોગોમાં કોરોના વોરિયર્સ તરીકે બજાવેલ ફરજો દરમ્યાન સંક્રમિત થયેલ સરકારી, મ્યુનિસ્પિલ કોર્પોરેશન, નગરપાલિકા, સરકારની ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ વગેરેના કર્મચારી, અધિકારી (પોલીસ, સફાઇ અને આરોગ્યકર્મી)ના દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત પરિવારજનોનો સમાવેશ કરાયો છે. જેઓને યોજના હેઠળ કુટુંબદીઠ વાર્ષિક પ લાખ સુધીની કેશલેસ આરોગ્ય સહાય ઉપલબ્ધ થશે. આ કમાર્ડ મેળવવા માટે સંક્રમણના કારણે અવસાન પામેલ પોલીસ,સફાઇ, આરોગ્યકર્મીના પરિવારજનોએ સંબંધિત કચેરીના વડાએ પ્રમાણિત કરેલ ફોટો સહિતનું કોરોના વોરિયર્સ તરીકેનું પ્રમાણપત્ર, રાશનકાર્ડ, ઓળખનો પુરાવો વગેરે રજૂ કરવાના રહેશે. ત્યારબાદ વેરીફાઇગ ઓથોરીટી દ્વારા આશ્રિતોનું વેરીફીકેશન કરી લાભાર્થી પરિવારને સ્થાપિત કિઓસ્ક પરથી મા વાત્સલ્ય યોજનાનું કાર્ડ આપવામાં આવશે.