છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં કોવિડ ૧૯ના ૮ હજારથી વધુ કેસ નોંધાયા…
પૂણે : મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર ફરી એકવાર વધ્યો છે. છેલ્લા બે જ દિવસમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ગત ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૮૮૦૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. સાથે જ ૮૦ લોકોના મોત થયાં છે. આ પહેલા મંગળવારે મહારાષ્ટ્રમાં ૬૨૧૮ કેસ નોંધાયા હતા અને ૫૧ના મોત થયાં હતા.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વાશીમ જિલ્લામાં બુધવારે નવા ૩૧૮ દર્દીઓ સામે આવ્યા છે. મહત્વની વાત એ છે કે, આ નવા દર્દીઓમાં ૧૯૦ તો માત્ર વિદ્યાર્થીઓ જ છે. વાશિમ જિલ્લાના રિસોડ તાલુકાના દેવાંગ સ્થિત એક સ્કૂલના હોસ્ટેલમાં ૧૯૦ વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચ્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનો બીજો ફેઝ ધીરે-ધીરે પ્રચંડ થઈ રહ્યો છે. રાજ્યમાં ગત ૨૪ કલાકમાં ૮,૮૦૭ નવા દર્દીઓ છે. અહીં ૧૮ ઓક્ટોબર બાદ સૌથી વધુ આંકડા છે. રાજ્યમાં ગત ૨૪ કલાકમાં ૮૦ દર્દીના મોત થયા છે. જે ગત ૫૬ દિવસમાં સૌથી વધુ છે. આ પહેલા ૩૦ ડિસેમ્બરના રોજ ૯૦ સંક્રમિતોના મોત થયા હતા.
રિસોડ તાલુકાના ગ્રામ દેવાંગ સ્થિત રહેવાસી આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષણ ઉપરાંત અહિં આવેલી હૉસ્ટેલમાં રહે છે. બુધવારે આ હોસ્ટેલના ૧૯૦ છાત્રોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હોસ્ટેલમાં રહેલા તમામ વિદ્યાર્થીઓ અમરાવતી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી આવે છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆત અમરાવતીથી થઈ છે.
મુંબઈની ધારાવીમાં ફરી એકવાર કોરોના વાયરસે દેખા દીધા છે. ધારાવીમાં ડબલ ડિજીટમાં કેસ નોંધાતા તંત્ર સાબદુ બન્યું છે. ગઈ કાલે ધારાવીમાં ૧૦ પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં. આ સાથે જ ધારાવીમાં કુલ કેસોની સંખ્યા ૪૦૪૧ થઈ છે જેમાંથી ૩૩ એક્ટિવ કેસનો સમાવેશ થાય છે.
કોરોના કહેર ફરી વધતા રાજ્ય સરકાર તેમજ મુંબઈ પોલીસે લોકોને કોરોના પ્રોટોકોલ અને પ્રતિબંધોનું પાલન કરવા કડક આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોના નિયમોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરાશે. સીએમએ અધિકારીઓ તેમજ પોલીસ પાસેથી રિપોર્ટ પણ મંગાવ્યો છે.