મુંબઇ : મહારાષ્ટ્રમાં લૉકડાઉનને ૧૫ દિવસ માટે વધારી દેવાતા ફિલ્મ તથા ટીવી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની મુસીબતમાં વધારો થયો છે. સિને એમ્લોઈઝના સંગઠનના ફેડરેશન FWICEએ કહ્યું હતું કે લૉકડાઉન વધ્યું તો એક હજાર કરોડ રૂપિયાનું નુકસાન જશે તે નક્કી છે. સરકારને આ વાત પહેલાં જ કહી હતી, પરંતુ તેમણે અમારી વાત માની નહીં. બીજા રાજ્યમાં બાયોબબલમાં શૂટિંગ થઈ રહ્યું છે, મુંબઈ તો સિને ઇન્ડસ્ટ્રીનું હબ છે, અહીંયા પણ પરવાનગી મળવી જોઈએ. સરકાર કોઈ રાહત પેકેજ કે કેશ રિલીફ પણ આપતી નથી. આખરે પાંચ લાખથી વધુ લોકોની રોજગારીનો સવાલ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને કારણે સરકારે ૧૪ એપ્રિલથી રાતના આઠથી ૧ મે સવારના સાત વાગ્યા સુધી લૉકડાઉન જાહેર કર્યું હતું. આ સાથે જ આખા રાજ્યમાં કલમ ૧૪૪ લાગુ કરી હતી. ૧૫ દિવસના લૉકડાઉનને કારણે ફિલ્મ, ટીવી સિરિયલ્સ, એડનું શૂટિંગ અટકી પડ્યું છે. આ કારણે ફિલ્મ તથા ટીવી ઇન્ડસ્ટ્રીના ટેક્નિશિયન તથા ક્રૂ મેમ્બર્સ સૌથી વધારે પ્રભાવિત થયા છે. તમામને આશા હતી કે પહેલી મેથી શૂટિંગ ફરી શરૂ થશે, પરંતુ સરકારે બીજા ૧૫ દિવસનું લૉકડાઉન લગાવી દીધું. આ જ કારણે લાખો ટેક્નિશિયન તથા ક્રૂ મેમ્બર્સ સામે રોજગારીનું સંકટ ઊભું થયું છે.
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)ના પ્રમુખ બી એન તિવારીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જો લૉકડાઉન વધ્યું તો ઇન્ડસ્ટ્રીને ઓછામાં ઓછું એક હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે. આ વાત અમે પહેલાં જ સરકારને જણાવી દીધી હતી. અમે એમ પણ કહ્યું હતું કે રોજમદાર કર્મચારીઓની આર્થિક હાલત બગડી રહી છે. ઉદ્ધવ સરકારે અમારી વાત પર ધ્યાન આપ્યા વગર લૉકડાઉન વધારી દીધું અને શૂટિંગની પરવાનગી આપી નહીં. કદાચ તેમને અમારી સાથે કોઈ લેવા દેવા નથી. તેમની તરફથી અમારા પત્રનો કોઈ જવાબ પણ આવ્યો નથી.
જેમને કામ કરવું છે, તે બહાર જઈ રહ્યા છે. ઇન્ડસ્ટ્રી શિફ્ટ થઈ રહી છે. સૌથી મોટી વાત રિયાલિટી શો પણ બહાર શિફ્ટ થઈ રહ્યા છે, જેમ કે ’સુપર ડાન્સર’એ દમણમાં સેટ લગાવ્યો છે. આગામી સમયમાં ફિલ્મસિટી મુંબઈથી બહાર શિફ્ટ થઈ શકે છે.
બે પ્રોડ્યૂસરે ઉમરગામમાં સ્ટૂડિયો બનાવ્યો છે અને ત્યાં જ શૂટ કરે છે. લૉકડાઉનની વચ્ચે અનેક ટીવી પ્રોડ્યૂસર્સે ગુજરાત, હૈદરાબાદ તથા ગોવામાં શૂટિંગ શરૂ કર્યું છે. મુંબઈમાં તો માત્ર મરાઠી ફિલ્મ તથા સિરિયલ જ બનશે. મુખ્યમંત્રી સાહેબ તો માત્ર મરાઠી ફિલ્મવાળા સાથે જ વાત કરે છે, અમારી સાથે વાત કરતા નથી. તેમને હિંદીવાળા સાથે કોઈ સંબંધ જ ના હોય તેમ કરે છે. અમને મળવાનો સમય પણ આપતા નથી.
ફેડરેશનના જનરલ સેક્રેટરી અશોક દુબેએ કહ્યું હતું કે ફેડરેશનને પહેલાં એક પત્ર લખ્યો હતો, પરંતુ તેનો જવાબ હજી સુધી મળ્યો નથી. હાલમાં જ બીજીવાર કોર્ડિનેશન કમિટીએ ચર્ચા કરીને બીજીવાર મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેમને મળવાનો સમય માગ્યો છે. આશા છે કે કંઈક પોઝિટિવ જવાબ આવશે. ફેડરેશનના પાંચ લાખ કર્મચારી, ક્રૂ મેમ્બર્સની મદદ કરવા માટે અમે બિગ સ્ટાર્સને પણ વાત કરીશું.