-
ભારતમાં વધી રહેલા કોરોના સંક્રમણમાં મહારાષ્ટ્ર રાજ્ય સૌથી આગળ છે…
ન્યુ દિલ્હી ભારત દેશમાં કોરોનાની બીજી લહેર ઝડપથી ફેલાઇ છે, ત્યારે અગાઉની સરખામણીએ આ વખતે સંક્રમણ ગતિ ઝડપથી વધી રહી છે. સરકારી આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના ૫૬૨૧૧ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કુલ કોરોના કેસની સંખ્યા ૧,૨૦,૯૫,૮૫૫ સુધી પહોંચી ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસને લીધે ૨૭૧ લોકોનાં મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધી કોરોનાને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા કુલ ૧૬૨૧૧૪ સુધી પહોંચી ગઇ છે.
મહારાષ્ટ્ર સૌથી આગળ છે ત્યારે દેશમાં જેટલા નવા કેસો સામે આવે છે તેના અડધાથી વધુ કેસો માત્ર મહારાષ્ટ્રમાં જ સામે આવી રહ્યાં છે. મહારાષ્ટ્ર ઉપરાંત પંજાબ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, દિલ્હીમાં સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. કોરોનાના વધતાં કેસો સામે દેશમાં ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે. સાથે જ કોરોના વિરુદ્ધ રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. અત્યાર સુધી દેશમાં ૬.૧૧ કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. જ્યારે કોરોના ટેસ્ટિંગની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં ૭ લાખથી વધુ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે.