#i_support_sunita_yadav સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ, ડીજી વણજારા પણ સમર્થનમાં
મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવ સામે પણ તપાસના આદેશ
સુરત : સુરતમાં ગતરોજ એક ઓડિયો વાયરલ થયો હતો. જે મુજબ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ સુનિતા યાદવે ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા. બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો પ્રકાશ કાનાણી આવ્યો હતો અને બંને વચ્ચે જીભાજોડી થઈ હતી.ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ આરોગ્યમંત્રીએ નિવેદન આપ્યું છે કે મારા પુત્રએ જો કાયદાનો ભંગ કર્યો હોય તો કાર્યવાહી કરો. બાદ સુરત પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં સુરતના એસીપી સીકે પટેલે તપાસના અંતે મંત્રીના પુત્ર પ્રકાશ અને તેના ૬ મિત્રોની અટકાયત કરી હોવાની માહિતી આપી હતી. જ્યારે પોલીસ વિભાગ દ્વારા આ વાયરલ વીડિયોના મુદ્દે એલઆરડી સુનિતા યાદવે સામે ખાતાકીય તપાસનો આદેશ આપ્યો છે. મળતી માહિતી પ્રમાણે પ્રકાશ કાનાણી હાલ જામીન પર છુટા કરાયા છે.
વીડિયો વાયરલ થયા બાદ વરાછા પોલીસ મથકના સર્વેલન્સ વિભાગના પીએસઆઈની તપાસ બાદ પ્રકાશ કાનાણી અને અન્ય ૬ સામે કર્ફ્યૂ ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થતા જ પ્રકાશ કાનાણીની અટકાયત કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
બનાવની વિગત એવી છે કે તરોજ સુરતના વરાછા વિસ્તારમાં પોતાની ફરજ બજાવી રહેલા મહિલા પોલીસ કર્મચારીએ તે વિસ્તરમાંમાંથી ૧૦.૩૦ વાગ્યે ગાડી પસાર થતા તેને અટકાવી હતી. જોકે આ ગાડીમાં પાંચ લોકો બેઠા હતા અને સાથે માસ્ક નહિ પહેર્યુ હોવાને લઈને તેમને જાણકારી આપી રહ્યા હતા ત્યારે આ ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા, અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રના મિત્ર હોવાનું કહીને મહિલા કર્મચારી સાથે અભદ્ર ભાષામાં વાત કરવા લાગ્યા હતા. મહિલા એલઆરડીએ આ મામલે તેમની સાથે તકરાર થતા વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સગરને જાણ કરી હતી. મહિલા એલઆરડી સુનિતા યાદવે પીઆઈ સગર સાથેની વાતચીતનો ઑડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. દરમિયાન સુનિતા યાદવ અને કુમાર કાનાણીના દીકરાના મિત્રો વચ્ચે જે જલદ સંવાદ થયો હતો તેમાં યાદવે પોતે ખાખીધારી હોવાનો પરચો આપી દીધો હતો.સુરતમાં આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચેનો વિવાદ હવે ચરમ સીમાએ પહોંચ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણે કે સોશિયલ મીડિયા પર મહિલા પોલીસકર્મી સુનિતા યાદવને જબરદસ્ત સપોર્ટ મળી રહ્યો છે અને આ સંદર્ભે ટિ્વટર પર #i_support_sunita_yadav હેશટેગ ટ્રેન્ડિંગ કરી રહ્યું છે. માહિતી મુજબ આ લખાય ત્યાં સુધી ૩૩ હજારથી વધુ લોકો સુનિતાના સપોર્ટમાં ટિ્વટ કરી ચૂક્યા છે.