ન્યુ દિલ્હી : રોહિત શર્માની હેમસ્ટ્રિંગની ઇજા અંગે જે હોહા મચી હતી તે ગુંચવણભરી હતી અને રોહિત શર્મા માટે આશ્ચર્યજનક હતી જેના મતે આ ઇજા ક્યારેય એટલી બધી ગંભીર ન હતી. જોકે હવે રોહિત શર્મા કહે છે કે તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે સજ્જ થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને ૨૭મી નવેમ્બરથી વન-ડે તથા ટી૨૦ સિરીઝનો પ્રારંભ થશે. ત્યાર બાદ ૧૭મી ડિસેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ માટેની ટીમમાં રોહિત શર્માને સામેલ કરવામાં આવ્યો છે.
ભારતની લિમિટેડ ઓવરની ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ આઇપીએલ દરમિયાન થયેલી હેમસ્ટ્રિંગની ઇજા વિશે વાતચીત કરી હતી. આ ઇજાને કારણે તેને ભારતીય ટીમમાંથી બાકાત રખાયો હતો. છેક ડિસેમ્બરમાં રમાનારી સિરીઝમાંથી તેને દૂર કરાયો પરંતુ રોહિત તો થોડા જ દિવસમાં આઇપીએલમાં રમ્યો હતો અને તેણે મુંબઈ ઇન્ડિયન્સની ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી. જોકે અંતે તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરાયો હતો.
રોહિત શર્માએ જણાવ્યું હતું કે મને સમજાતું નથી કે શું થઈ રહ્યું છે. પ્રામાણિકતાથી કહું તો લોકો જે કહી રહ્યા છે તે મારી સમજની બહાર છે. પણ મને સ્પષ્ટ કરવા દો કે હું મારી ઇજા વિશે બીસીસીઆઈ અને મુંબઈ ઇન્ડિયન્સને સતત માહિતગાર કરતો રહેતો હતો.