ન્યુ દિલ્હી : ભારતની દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજે આજે શુક્રવારે ઇતિહાસ રચ્યો છે. ૩૮ વર્ષીય મિતાલી રાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦ હજાર રન બનાવનારી ભારતની પહેલી અને દુનિયાની બીજી મહિલા ખેલાડી બની ગઇ છે. મિતાલીએ સાઉથ આફ્રીકા વિરુદ્ધ વનડે સીરિઝની ત્રીજી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.
મિતાલી લખનઉમાં રમાઇ રહેલી આ મેચમાં જેવી જ ૩૫ના સ્કોરે પહોંચી ત્યારે તેણે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. ઇંગ્લેન્ડની ચાર્લેટ એડવડ્ર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦ હજાર રન બનાવનારી પ્રથમ મહિલા ખેલાડી હતી. હજુ તેનાથી આગળ નીકળવા માટે મિતાલીને ૨૯૯ રનની જરૂર છે. આવું કરીને તે મહિલા ક્રિકેટમાં સૌથી વધુ આંતરારાષ્ટ્રીય રન બનાવનારી મહિલા બની જશે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ પાંચ મેચની વનડે સીરિઝની શરૂઆત થઇ ત્યારે મિતાલીને દસ હજાર રન પૂરાં કરવા માટે ૮૫ રનની જરૂર હતી. પ્રથમ વનડેમાં તેણે ૫૦ રન કર્યા હતા. જ્યારે બીજી મેચમાં તેને બેટિંગનો મોકો મળ્યો નહોતો. હવે ત્રીજી વનડેમાં તે ૫૦ બોલમાં ૩૬ રન બનાવીને આઉટ થઇ હતી.