મુંબઇ : મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગઇકાલે મોડી રાત્રે અને આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં દહેશતનું મોજુ ફેલાઇ ગયું હતું. ૧૨ કલાકની અંદર મુંબઇ બે વાર ધ્રુજી ઉઠયું હતું તો નાસીકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે જાનમાલની નુકસાનીના કોઇ અહેવાલો નથી.
આજે સવારે ૬.૩૬ વાગ્યાની આસપાસ મુંબઇમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા રીકટર સ્કેલ પર ૨.૭ માપવામાં આવી હતી. મુંબઇમાં ધરતીનો ધ્રુજારો આવતા અનેક લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.
આ પહેલા ગઇકાલે મોડી રાત્રે ૧૧.૪૧ કલાકે નાસિકમાં ભૂકંપનો પહેલો આંચકો આવ્યો હતો. તેની તીવ્રતા ૪.૦૦ માપવામાં આવી હતી. તે પછી રાત્રે ૧૨.૫ કલાકે ૩.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યાંથી પણ નુકસાનીના કોઇ અહેવાલો નથી.
અત્રે નોંધનિય છે કે છેલ્લા અનેક મહિનાઓથી મહારાષ્ટ્રના પાલઘરમાં ભૂકંપના હળવા આંચકા આવી રહ્યા છે, તેની તીવ્રતા ૨ થી ૩.૫ની હતી.