તેલંગાણા-આંધ્ર-ઓડિશામાં મેઘતાંડવ બાદ હવે મહારાષ્ટ્રનો વારો: મુંબઈ, થાણે, પુના, સોલાપુર, કોંકણના અનેક ભાગો જળબંબાકાર, પુર જેવી પરિસ્થિતિ…
મુંબઈ : બંગાળની ખાડીમાં ડીપ્રેસન સીસ્ટમના પ્રભાવ હેઠળ તેલંગાણા, આંધ્રપ્રદેશ તથા ઓડીસામાં મેઘતાંડવ સર્જાયા બાદ હવે મહારાષ્ટ્રનો વારો આવ્યો છે અને મોડીરાતથી મુંબઈ સહીત રાજયના અનેક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતા દ્વારા અતિભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
મુંબઈના અનેક ભાગોમાં મધરાત બાદ ભારે વરસાદ નોંધાયો હતો અને અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. સાયન, કીંગ્ઝ સર્કલ જેવા ભાગોમાં પુર જેવી હાલત થઈ હતી. સવાર સુધીમાં કોલબામાં 115 મીમી (સાડા ચાર ઈંચ) તથા શાંતાક્રુઝમાં 86 મી.મી. (સાડા ત્રણ ઈંચ) વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે મુંબઈ, પાલઘર તથા થાણે માટે ‘યલો એલર્ટ’ જયારે રત્નાગીરી તથા સિંધુદુર્ગ માટે રેડ એલર્ટની ચેતવણી જારી કરી છે. આવતા 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
પુના તથા આસપાસના ભાગોમાં સતત 12 કલાકથી વરસતા વરસાદથી જનજીવન ઠપ્પ થઈ ગયુ છે. ઈંદાપુરમાં સાત ઈંચ વરસાદ ખાબકયો હતો. ઉજની બંધમાંથી પાણી છોડવામાં આવતા પુના-સોલાપુર હાઈવે પર પાણી ફરી વળ્યા હતા અને ધોરીમાર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પુનામાં પણ પૂર પરિસ્થિતિ સર્જાતા વહીંવટીતંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું.