રાષ્ટ્ર કે રાજ્યના વિકાસની પારાશીશી કૃષિ, ઉદ્યોગ અને સેવાએ ત્રણ ક્ષેત્રના આધારે નક્કી થાય છે : સરકાર વાવણીથી માંડીને વેચાણ સુધી ખેડૂતોની પડખે અડીખમ ઉભી રહી છે : શ્રી યોગેશભાઈ પટેલ, મંત્રી
આણંદ : નર્મદા શહેરી અને ગૃહ નિર્માણના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે રાષ્ટ્ર કે રાજ્યના વિકાસની પારાશીશી કૃષિ, ઉદ્યોગ અને સેવા આ ત્રણ ક્ષેત્રના આધારે નક્કી કરવામાં આવતી હોય છે તેમ આણંદ જિલ્લાના બોરસદ, આણંદ અને ધર્મજ ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગે ખેડૂતોને માહિતગાર કરવાના યોજાયેલ જાગૃત કાર્યક્રમોમાં કહ્યું હતું.
મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે ચરોતરના મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેમણે ખેતીમાં વિવિધ નવીનતમ પ્રયોગો કરીને દેશમાં ડંકો વગાડ્યો છે તેમ કહીને ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જેણે ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મૂકીને સાચા અર્થમાં ખેડૂતોને લાભ આપીને તેમની સમૃદ્ધિ અને ઉન્નતિ માટેના દ્વાર ખોલી આપ્યા હોવાનું જણાવ્યું હતું. શ્રી યોગેશભાઈ પટેલે પહેલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હતા પરંતુ વધુ પાક મેળવવા માટે યુરિયાનો ઉપયોગ કરીને જમીનોને બગાડી છે પરંતુ ખેડૂતો ફરી પાછા પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અથાગ પ્રયત્નો કરી રહ્યા છે તેમ કહ્યું હતું.
મંત્રીશ્રીએ ખેડૂતોને અનાવૃષ્ટિ, અતિવૃષ્ટી કે માવઠાના કારણે ખેતીમાં નુકશાન ન જાય તે માટે વીમા કંપનીઓ પાસે વીમા લેવા પડતાં હતા અને સમયસર વીમો ભરપાઈ કરવા છતાં જરૂરીયાતના સમયે ખેડૂતોને પૈસા નહોતા મળતા હતા જેને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારે ખેડૂતોના હિતમાં સંવેદનશીલ નિર્ણય લઈને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો પ્રારંભ કર્યો જેના કારણે ખેડૂતોને ૩૩ ટકાથી ૬૦ ટકા નુકસાન થયું હોય તો પ્રતિ હેક્ટરનાં રૂ.૨૦ હજાર અને ૬૦ ટકાથી વધુ નુકશાન થયું હોય તો પ્રતિ હેકટરનાં રૂા.૨૫ હજારની આર્થિક સહાય પારદર્શક, વિના વિલંબે લાભ મેળવી શકે તેવી યોજના છે જેના કારણે ખેડૂતોને કોઈ પણ પ્રકારના નાણા ચૂકવવા પડશે નહીં અને નુકસાનીના બદલામાં સરકાર દ્વારા તેમને વળતર આપવામાં આવશે જેનો લાભ રાજ્યના નાના મોટા દરેક ખેડૂતને મળશે તેમ કહ્યું હતું.
મંત્રી શ્રી યોગેશભાઈએ રાજ્યની સંવેદનશીલ સરકાર વાવણીથી માંડીને વેચાણ સુધી ખેડૂતોની પડખે અડીખમ રીતે ઉભી રહી હોવાનું ખેડૂતોને જણાવ્યું હતું.
શ્રી પટેલે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અથાગ પ્રયત્નો થકી આજે નર્મદા યોજના પરિપૂર્ણ થઈ છે અને નર્મદા ડેમ મહત્તમ ઉંચાઈ ઉપર પહોંચ્યો છે. જેના કારણે આજે કચ્છથી કાઠિયાવાડ સુધી નર્મદાનું પાણી પહોંચ્યું છે તેમ જણાવી સુજલામ સુફલામ યોજનાને કારણે ઉત્તર ગુજરાતના લાખ્ખો ખેડૂતોને સિંચાઈની સુવિધા પુરી પાડવામાં આવી છે જ્યારે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચાઈની સુવિધા પહોંચાડવામાં આવી છે તેમ જણાવ્યું હતું.
સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવકમાં વધારો થાય અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાની અપીલ કરતાં કહ્યું કે, જેના કારણે ખેત ઉત્પાદન પણ સારૂં થાય અને જમીનની ગુણવત્તા સાથે સાથે લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને પ્રાકૃતિક રીતે ઉત્પાદિત થયેલ વસ્તુના ભાવો પણ સારા એવા પ્રમાણમાં મળશે. શ્રી મિતેશભાઈ પટેલે હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે લોકો પ્રાકૃતિક વસ્તુઓ તરફ વળી રહ્યા છે જેથી ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ તેમ જણાવી સરકારની શ્રેષ્ઠત્મ કિસાન હિતલક્ષી યોજનાઓ અને ધરતીપુત્રોના પરિશ્રમથી આજે રાજ્ય કૃષિ ઉત્પાદનમાં અગ્રેસર થઈ રહ્યું છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ચિંતન પટેલે ઉપસ્થિત તમામને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તેમજ આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત ખેડૂત કલ્યાણની સાત નવી યોજનાઓ વિેશે માહિતી આપી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી આર.જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષકુમાર, બોરસદ પ્રાંત અધિકારી શ્રી પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પ્રતાપ સિંહ ગોહિલ, પૂર્વ સાંસદ શ્રી લાલસિંહ વડોદિયા, જિલ્લાના અગ્રણી શ્રી મહેશભાઈ પટેલ, શ્રી રમણભાઈ સોલંકી, કૃષિ યુનિવર્સિટીના આચાર્ય અને ડીન શ્રી પી.આર. વૈષ્ણવ, શ્રી સુભાષભાઈ, મામલતદાર શ્રી સેરસિયા, જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. સ્નેહલ પટેલ, આત્મા કચેરીના શ્રી પી.બી.પરમાર સહિત અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આણંદ જિલ્લામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાઓના જાગૃતિ કાર્યક્રમ કલ્સ્ટર વાઈઝ યોજવામાં આવ્યો હતો જેમાં સવારે બોરસદ ખાતે બોરસદ અને આંકલાવ તાલુકાના આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આણંદ, ઉમરેઠ અને સોજિત્રાના જ્યારે ધર્મજ ખાતે પેટલાદ, ખંભાત અને તારાપુરના ખેડૂતોએ ઉપસ્થિત રહી જરૂરી જાણકારી મેળવી હતી.