મુંબઇ : કોરોનાએ સમગ્ર દુનિયામાં કાળો કેર વર્તાવ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો કેટલાક વીડિયો એવા મળી જાય છે જેને જોઈને આપણી અંદરની માનવતા હચમચી ઉઠે. ખરેખર મદદ માટે તરસતા લોકો સુધી મદદ પહોંચે એ ખુબ જરૂરી છે જ્યારે ક્યારેક આવી મદદ મળવામાં મોડુ થાય ત્યારે જે વ્યક્તિ દુખ તકલીફો વેઠે તે જોઈને અનુકંપા થવા લાગે.
થોડા સમય પહેલા આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો મુઝફ્ફરપુરના રેલવે સ્ટેશન પર એક મહિલા અને તેના બાળકનો આ વીડિયો દીલને હલબલાવી દે તેવો હતો. મજૂર માતા મૃત્યુ પામી હતી તે વાતથી અજાણ નિર્દોષ બાળક તેની માતાને જગાડવાનો સતત પ્રયાસ કરતો હતો આ વીડિયો લોકડાઉનમાં મજૂરોની હાલતને સચોટ વર્ણવતો કિસ્સો હતો.
આ દર્દનાક વીડિયો આવ્યા પછી બોલિવૂડના કિંગખાન શાહરૂખ અને તેના મીર ફાઉન્ડેશને બાળકની મદદ કરતા હાથ લંબાવ્યો છે. હાલ આ બાળકને હેમખેમ રીતે તેના દાદા-દાદી પાસે પહોંચાડી દેવામાં આવ્યો છે.
મીર ફાઉન્ડેશને ટ્વીટ કરીને કહ્યુ કે આ વીડિયો દર્દનાક છે અમે આ બાળકને તમામ પ્રકારની સહાય કરવા તૈયાર છીએ હવે આ માસુમ બાળક અમારી જવાબદારી છે. માતાને ગુમાવનાર આ બાળકને તો એ પણ ખબર નથી કે તેના પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે.