મુંબઇ : ઓસ્ટ્રેલિયામાં છેલ્લી ૩ ટેસ્ટમાં ભારતીય ટીમની કપ્તાની કરનાર અજિંક્ય રહાણેએ મેલબોર્ન મેચમાં મારેલી સદી (૧૧૨ રન)ને પોતાની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ જાહેર કરી છે. રહાણેએ કહ્યું કે, જે મેચમાં તે રન કરે છે અને ટીમ જીતે છે તે ખાસ છે. તેણે કહ્યું કે મેલબોર્નમાં રમેલી ઇનિંગ્સ શ્રેણી જીતવા માટે નિર્ણાયક હતી. આ અગાઉ રહાણેએ ૨૦૧૪ માં લોડ્ર્સમાં રમેલી ૧૦૩ રનની ઇનિંગ્સને બેસ્ટ ગણાવી હતી.
રહાણેએ સ્પોટ્ર્સ ટુડેને જણાવ્યું હતું કે, ટેસ્ટ અને શ્રેણી જીતવી મારા માટે પર્સનલ અચીવમેન્ટથી ખાસ છે. મેં બોક્સિંગ ડે ટેસ્ટમાં સદી ફટકાર્યા પછી કહ્યું હતું કે લોડ્ર્સમાં સદી શ્રેષ્ઠ હતી. પરંતુ ઘણા લોકોએ મને કહ્યું હતું કે મેલબોર્નમાં રમેલી ઇનિંગ્સ અત્યાર સુધીની મારી બેસ્ટ ઇનિંગ્સ હતી.
તેણે કહ્યું, “મને ખબર નથી કે પ્રતિક્રિયા કેવી રીતે આપવી.” હવે મને લાગે છે કે એડિલેડ ટેસ્ટમાં ખરાબ હાર બાદ ટીમ જે પરિસ્થિતિમાં હતી તેવામાં સદી ફટકારવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. મેલબોર્ન ટેસ્ટ જીતવી જરૂરી હતી. હું તે સદી ફટકારીને ખુશ છું.
ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ૧-૦થી લીડ મેળવી હતી. ભારતીય ટીમ આ મેચની બીજી ઇનિંગ્સમાં ૩૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ટેસ્ટ ઈતિહાસમાં ભારતનો એક ઇનિંગ્સમાં સૌથી ઓછો સ્કોર હતો. આ પછી, મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ વાપસી કરીને ૮ વિકેટથી જીત મેળવી હતી. રહાણેએ આ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ૧૧૨ રન બનાવ્યા હતા.