ન્યુ દિલ્હી : આજથી બરાબર ૧ વર્ષ અગાઉ ૨૪મી ફેબ્રુઆરીએ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ’હાઉડી ટ્રમ્પ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં એમેરિકાના પૂર્વ રાષ્ટપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હવે ૨૦૨૧મા પણ ૨૪મી ફેબ્રઆરીએ મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ રમાવાની છે. આ ઐતિહાસિક મેચની શરૂઆત માટે અત્યારથી તૈયારીઓ ચાલી રહી છે અને તેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહી શકે છે.
મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની ગયું છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન કરતા પણ વધારે ૧.૧૦ લાખ પ્રેક્ષકોને સમાવવાની વર્લ્ડ રેકોર્ડ ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમનું નવેસરથી ૨૦૧૫માં બાંધકામ શરૂ થયું હતું. ગયા વર્ષે જ આ કામ પૂરું થઈ ગયું હતું પરંતુકોરોનાના કારણે વિશ્વભરમાં ક્રિકેટ અટકી ગઈ હતી અને હવે ૨૦૨૧ની શરૂઆતમાં અહીં ક્રિકેટની શરૂઆત થઈ રહી છે.
ઈંગ્લેન્ડની ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે અને સીરિઝની ત્રીજી ટેસ્ટ મોટેરા ખાતે રમાવાની છે. એવામાં સ્ટેડિયમમાં મેચ સાથે ઉદ્ધાટન થશે. જે માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીને ખાસ આમંત્રણ આપવાની વિચારણા થઈ રહી છે. આ સાથે જ કેન્દ્રના ગૃહ પ્રધાન અને સ્ટેડિયમ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા અમિતા શાહને પણ બોલાવવાની વિચારણા છે. એવામાં ચૂંટણી અને આંચાર સંહિતા નહીં નડતી હોય તો અમિત શાહ અને પીએમ મોદી હાજરી આપી શકે છે.