પ્રધાન સેવક તરીકે હું દેશવાસીઓની તમામ સંવેદનામાં સહભાગી છું : મોદી
જે મુશ્કેલીઓ દેશવાસીઓને થઈ રહી છે, તેને હું પણ અનુભવી રહ્યો છું, વડાપ્રધાને દેશવાસીઓને વેક્સીન લેવા કરી અપીલ
ન્યુ દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતને મળનારા નાણાકીય લાભોનો આઠમો હપ્તો જારી કરી દીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નાણાકીય લાભનો આઠમો હપ્તો જાહેર કર્યો. આજે દેશ ૯.૫ કરોડથી વધારે લાભાર્થી ખેડૂત પરિવારોને ૧૯ હજાર કરોડ રૂપિયાથી વધારેની રકમ ટ્રાન્સફર કરવામાં આવી.
પીએમ મોદીએ આ અવસર પર ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, મેઘાલય, જમ્મુ અને કાશ્મીર જેવા ૫ રાજ્યોના ખેડૂતો સાથે પણ વાત કરી. આ તક પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે, આજે ઘણા જ પડકારજનક સમયમાં આપણે આ સંવાદ કરી રહ્યા છીએ. આ કોરોના કાળમાં પણ દેશના ખેડૂતોએ આપણા કૃષિ ક્ષેત્રમાં પોતાની જવાબદારી નિભાવતા અન્નનું રેકૉર્ડતોડ ઉત્પાદન્ન કર્યું છે. પીએમ મોદીએ સાથે જ કહ્યું કે, આજે અક્ષય તૃતીયાનો પાવન પર્વ છે, કૃષિના નવા ચક્રની શરૂઆતનો સમય છે અને આજે જ લગભગ ૧૯ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
આનો લાભ લગભગ ૧૦ કરોડ ખેડૂતોને થશે. પીએમ મોદીએ આગળ કહ્યું કે, આજે બંગાળના લાખો ખેડૂતોને પહેલો હપ્તો આપવામાં આવ્યો છે. જેમ જેમ રાજ્યોથી ખેડૂતોના નામ કેન્દ્ર સરકારને મળશે, તેમ તેમ લાભાર્થી ખેડૂતોની સંખ્યા વધારે વધતી જશે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર જેઓ આ અવસર પર ઉપસ્થિત હતા તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળ રાજ્યના ૭થી વધારે ખેડૂતોને યોજનાનો લાભ મળ્યો છે. આ તક પર પીએમ મોદીએ કહ્યું કે, અત્યાર સુધી આ યોજના અંતર્ગત દેશના લગભગ ૧૧ કરોડ ખેડૂતોની પાસે લગભગ ૧ લાખ ૩૫ હજાર કરોડ રૂપિયા પહોંચી ચુક્યા છે. આમાંથી ફક્ત કોરોના કાળમાં જ ૬૦ હજાર કરોડ રૂપિયાથી વધારે પહોંચ્યા છે.
કોરોના મહામારીને લઇને તેમણે કહ્યું કે, ભારત હિંમત હારનારો દેશ નથી. આપણે લડીશું અને જીતીશું. તેમણે કહ્યું કે, આ સંકટના સમયમાં દવાઓ અને જરૂરી વસ્તુઓની જમાખોરી અને કાળાબજારીમાં પણ કેટલાક લોકો પોતાના સ્વાર્થના કારણમાં લાગેલા છે. હું રાજ્ય સરકારોને આગ્રહ કરું છું કે આવા લોકો પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે. આ કૃત્ય માનવતાની વિરુદ્ધ છે.