ટ્રમ્પ સ્ટેડિયમમાં ૧ લાખથી પણ વધુ લોકોને સંબોધશે…
અમદાવાદ : ૨૪મી ફેબ્રુઆરીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મહેમાન હશે. આ જ દિવસે ટ્રમ્પ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને બપોરે ૪.૦૦ વાગ્યે મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવાના છે. આ ઉદ્ઘાટન બાદ અમેરિકન પ્રમુખ માટે ’કેમ છો, ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેડિયમમાં ઉપસ્થિત ૧ લાખથી પણ વધુ લોકોને સંબોધન કરશે. કેમ છો ટ્રમ્પ કાર્યક્રમ સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સીધા અમદાવાદ પહોંચશે અને અંદાજે ૨૧૦ મિનિટ સુધી અહીં રહેશે. ટ્રમ્પના સ્વાગત માટે મોદી એરપોર્ટ પહોંચશે તેવા સમાચાર પણ છે.
નોંધનીય છે કે નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન ’હાઉડી મોદી’ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં અમેરિકામાં રહેતા ભારતીયોને પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાઉડી મોદીની તર્જ પર જ “કેમ છો ટ્રમ્પ” કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. પીએમ મોદીના કાર્યક્રમમાં ૪૦-૫૦ હજાર ભારતીય હાજર રહ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આથી પીએમ મોદી મોટેરાના કાર્યક્રમમાં બમણી સંખ્યા ઉપસ્થિત રહે તેવું ઈચ્છી રહ્યા છે.
મોટેરા સ્ટેડિયમ ખાતે બે કલાક ચાલનારા આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવશે. સ્ટેડિયમ ખાતે પીએમ મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર લોકોને સંબોધન કરશે. નોંધનીય છે કે બુધવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે પીએમ મોદીનું નામ લઈને એવું કહ્યું હતું કે, અમદાવાદ ખાતે મારા સ્વાગતમાં ૫-૭ મિલિયન (૫૦-૬૦ લાખ) લોકો હાજર રહેશે. અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ જતી વખતે રસ્તામાં આટલા લોકો હાજર રહેશે તેવો દાવો ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના હવેલાથી કર્યો હતો.