Charotar Sandesh
ઈન્ડિયા

મોદી સરકારને રાહત : સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને સુપ્રિમની ‘લીલીઝંડી’

  • સુપ્રીમ કોર્ટે ૨-૧ના બહુમતથી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને મંજૂરી આપી

  • નિર્માણ કાર્ય શરૂ કરવા માટે હેરિટેજ સંરક્ષણ સમિતિની મંજૂરી જરૂરી, બેન્ચે સાથો સાથ સરકારને પ્રદૂષણને નાથવા માટે સ્મોગ ટાવર લગાવાનું પણ કહ્યું

  • આ પ્રોજેક્ટ હેઠળ નવા સંસદ પરિસરનું નિર્માણ કરવાનું છે, તેમાં ૮૭૬ સીટોવાળી લોકસભા, ૪૦૦ સીટોવાળી રાજ્યસભા અને ૧૨૨૪ સીટોવાળો સેન્ટ્રલ હોલ બનાવવામાં આવશે

ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટને કેન્દ્રની મોદી સરકારને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. આપને જણાવી દઇએ કે પાછલી સુનવણીમાં સુપ્રીમ કોર્ટે સંસદ ભવનના શિલાન્યાસને મંજૂરી આપી દીધી હતી. જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે ૨-૧ની બહુમતીથી આ ચુકાદો સંભળાવતા કહ્યું કે તેમની બેન્ચ સરકારને આ યોજના માટે મંજૂરી આપી રહ્યું છે.
જસ્ટિસ ખાનવિલકર અને જસ્ટિસ માહેશ્વરીએ ૨-૧ની બહુમતી આપતા ચુકાદામાં કેન્દ્ર સરકારના ડીડીએ એકટના અંતર્ગત આ પ્રોજેક્ટને યોગ્ય ગણાવ્યો. તો જસ્ટિસ સંજીવ ખન્ના બહુમતીથી અલગ રહ્યા. બેન્ચે સાથો સાથ સરકારને પ્રદૂષણને નાથવા માટે સ્મોગ ટાવર લગાવાનું પણ કહ્યું છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે હાલનું સંસદ ભવન ગંભીર આગની આશંકા અને ઓછી જગ્યાનો સામનો કરી રહ્યું હતું. આ પ્રોજેક્ટ હેઠળ હેરિટેજ બિલ્ડિંગને સંરક્ષિત કરવામાં આવશે. હાલનું સંસદ ભવન ૧૯૨૭માં બનાવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ્ય વિધાન પરિષદ ભવનના નિર્માણનો હતો ન કે બે સદનનો હતો. પરંતુ જ્યારે લોકસભા અને રાજ્યસભાનું સંયુક્ત સત્ર આયોજિત કરવામાં આવે છે ત્યારે સાંસદો પ્લાસ્ટીકની ખુરશી પર બેસે છે. જેનાથી સંસદની ગરીમા જળવાતી નથી.
આપને જણાવી દઇએ કે પીએમ નરેન્દ્ર મોદી એ ૧૦ ડિસેમ્બરના રોજ નવા સંસદ ભવનની બિલ્ડિંગનો શિલાન્યા કર્યો હતો. ૭ ડિસેમ્બરના રોજ પાછલી સુનવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેને શિલાન્યાસ કરવા પર કોઇ આપત્તિ નથી પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય આવવા સુધી કોઇ બાંધકામ, તોડફોડ કે વૃક્ષ પાડવાનું કામ ના થાય.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની અંતર્ગત નવા પરિસર, કેન્દ્રીય મંત્રાલયો માટે સરકાર બિલ્ડિંગ્સ, ઉપરાષ્ટ્રપતિ માટે નવા ઇનક્લેવ, પ્રધાનમંત્રી કાર્યાલય, અને આવાસ સહિત અન્ય બાંધકામ કરવાના છે. પ્રોજેક્ટનું કામ કરી રહેલા કેન્દ્રીય લોક નિર્માણ વિભાગએ અંદાજીત ખર્ચને ૧૧૭૯૪ કરોડ રૂપિયાથી વધારીને ૧૩૪૫૦ કરોડ રૂપિયા કરી દીધો છે. આશા વ્યક્ત કરાઇ રહી છે કે ૨૦૨૨માં આ પ્રોજેક્ટ પૂરો થશે અને આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવા પર સંસદ સત્ર નવા ભવનમાં જ ચાલશે.
નવા સંસદ ભવનમાં લોકસભાનો આકાર હાલ કરતાં ત્રણ ગણો વધુ હશે. રાજ્યસભાનો આકાર પણ વધશે. કુલ ૬૪૫૦૦ વર્ગમીટર ક્ષેત્રમાં નવા સંસદ ભવનનું નિર્માણ ટાટા પ્રોજેક્ટસ લિમિટેડની તરફથી કરાશે. નવા સંસદ ભવનની ડિઝાઇન એચસીપી ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ તૈયાર કરી છે. શહેરી કાર્ય મંત્રાલયના અધિકારીઓના મતે નવું સંસદ ભવન ૨૦૨૨માં આઝાદીની ૭૫મી વર્ષગાંઠના અવસર પર નવા ભારતની આવશ્યકતાઓ તથા આકાંક્ષાઓને અનુરૂપ હશે.

Related posts

શોપિયામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં એક આતંકી ઠાર, બે જવાન ઘાયલ…

Charotar Sandesh

ગાઝામાં ફરી બોમ્બમારો, ઈઝરાયલી ફાઈટર વિમાનોએ ૧૦ મિનિટ સુધી કર્યો હુમલો…

Charotar Sandesh

દેશભરમાં એક સાથે ચૂંટણી યોજવાની મોદી સરકારની તૈયારી..!!

Charotar Sandesh