ન્યુ દિલ્હી : યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની સેન્ટ્રલ લંડન ખાતેની સંપત્તિની સાથે સાથે ઈડી આગામી સપ્તાહમાં તેમની ૫૦ કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ પણ અટેચ કરવાની તૈયારીમાં છે. રાણા કપૂરની લંડન ખાતેની સંપત્તિ અટેચ કરવી તે તપાસ એજન્સી દ્વારા વિદેશમાં લેવાનારૂં પ્રથમ પગલું છે. ઈડીએ છ મેના રોજ કપૂર વિરૂદ્ધ ચાર્જશીટ નોંધી હતી જે મુજબ તેમણે કથિત રીતે બેંકનો ઉપયોગ લોનની રકમ વધારવા લાંચ મેળવવા કરેલો.
કપૂરની દીકરી રાખી કપૂર ડોઈટ ક્રિએશન જર્સી લિમિટેડનું સંચાલન કરે છે. તેમાં ૮૩ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે અને તે લંડનમાં ત્રણ સંપત્તિઓ ધરાવે છે જેમાં સાઉથ ઓડ્લે સ્ટ્રીટ ખાતેના ઓફિસ કમ ગેસ્ટહાઉસનો પણ સમાવેશ થાય છે. તેની કિંમત આશરે ૧૦૭ કરોડ રૂપિયા છે અને તે સિવાય રહેણાંક માટેની સંપત્તિ પણ છે.
એન્ટી મની લોન્ડ્રિંગ તપાસ એજન્સીએ કપૂરના પરિવાર અને તેમના દ્વારા સંચાલિત કંપનીઓના સ્વામીત્વવાળી અનેક મોંઘી સંપત્તિઓની વિગતો એકત્રિત કરી છે. તેમાં દિલ્હી, મુંબઈ, ગોવા, લંડન, અમેરિકા, યુકેમાં બંગલો, વિલા, ક્લબ, રિસોર્ટ, એપાર્ટમેન્ટ, ફાર્મલેન્ડ વગેરેનો પણ સમાવેશ થાય છે. તેની કિંમત હજારો કરોડ રૂપિયામાં છે. સમગ્ર કેસ ઉપર નજર રાખતા લોકોના કહેવા પ્રમાણે આ તમામ સંપત્તિ અયોગ્ય કંપનીઓને લોન આપવાના બદલામાં લાંચ તરીકે મેળવવામાં આવી છે.