યાસ વાવાઝોડાને લઈ વિજ કરંટથી બેના મોત : ઝારખંડ, બિહાર, સિકકીમ, આસામ, મેઘાલય, તામીલનાડુ, ઉતરપ્રદેશ, આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થશે…
કોલકાતા/ભૂવનેશ્વર : યાસ તોફાનના તાંડવ વચ્ચે બંગાળમાં ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા. જલપાઇગુડીમાં બુધવારે બપોરે ૩.૮ તીવ્રતાનો ભૂકંપ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ ભૂકંપનું એપિસેન્ટર માલબજારમાં ૫ કિલોમીટર ઊંડાણમાં હોવાનું સામે આવ્યું છે. સતત ધોધમાર વરસાદને કારણે હાવડા સ્થિત ગંગા નદીના જળસ્તરમાં વધારો નોંધાયો હતો. નદીનું પાણી બેલૂર મઠની અંદર ભરાઇ ગયું હતું.
૧૦.૩૦ થી ૧૧.૩૦ વચ્ચે દક્ષિણ બાલાસોરથી ૨૦ કિમી નજીકથી પસાર થયું. આ દરમિયાન ૧૪૦ કિમી પ્રતિકલાકની ગતિએ પવન ફૂંકાયો હતો. તોફાન પછી ઉત્તર-પશ્ચિમ દિશામાં ખસેડ્યું અને બાલાસોરથી લગભગ ૧૫ કિમી દૂર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત કર્યું. યાસ ચક્રવાત બુધવારે સવારે લગભગ ૯ વાગ્યે ઓડિશાના ભદ્રક જિલ્લાના તટપ્રદેશ સાથે ટકરાયો હતો. ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઘણા સ્થાનિક મકાનોમાં પાણી ભરાયા. ચક્રવાતને કારણે બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ અને કર્નાટકમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ પણ કરવામાં આવ્યા છે. ઓડિશા અને બંગાળના મોટાભાગના પ્રદેશોમાં મંગળવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
IMDના જણાવ્યા અનુસાર સવારે ૯ વાગ્યાથી ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવવાનું શરૂ થયું હતું. યાસ ચક્રવાતને પરિણામે ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વળીં, પટના સહિત બિહારના ૨૬ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ કરવામાં આવ્યા છે. ઓડિશાના ચાંદીપુર અને બાલાસોરના દક્ષિણ ૨૪ પરગાણા જિલ્લામાં ચક્રવાત સૌથી વધુ પ્રભાવી હતો. બંગાળના દીઘા અને મંદાર્માનીની હોટલો અને દુકાનોમાં સમુદ્રના પાણી ભરાઈ ગયા હતા. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આપત્તિ રાહત ટીમો તૈનાત છે. એરફોર્સ અને નેવીએ તેમના કેટલાક હેલિકોપ્ટર અને બોટને પણ રાહત કાર્ય માટે તૈયાર રાખી છે. તોફાનને કારણે ઓડિશાના છ જિલ્લાઓને ઉચ્ચ જોખમ ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા છે. આમાં બાલાસોર, ભદ્રક, કેન્દ્રપરા, જગતસિંગપુર, મયુરભંજ અને કેઓંઝારનો સમાવેશ થાય છે.