૧ મેથી ૧૮+વાળાઓ માટે રસીકરણ અભિયાન, પણ વેક્સિન ક્યાં…?
ન્યુ દિલ્હી : ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે તબાહી મચાવી દીધી છે. દિલ્હી હોય અથવા મહારાષ્ટ્ર, અથવા પછી ઉત્તર પ્રદેશ કે પશ્ચિમ બંગાળ, ચારેય બાજુ હાહાકાર મચ્યો છે. હૉસ્પિટલોમાં બેડ્સની તંગી છે, લોકોને ઑક્સિજન નથી મળી રહ્યું અને કોરોનાના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન સરકારે ૧ મેથી ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના તમામ લોકો માટે વેક્સિનેશન શરૂ કરવાની જાહેરાત કરી, ત્યારબાદ રજિસ્ટ્રેશન શરૂ પણ થઈ ગયું છે, પરંતુ દેશમાં અત્યારે તમામ સુવિધાઓની સાથે સાથે વેક્સિનની પણ તંગી છે, આવામાં અનેક રાજ્ય ૧ મેથી વેક્સિનેશન શરૂ કરવાની ના કહી ચુક્યા છે.
આવામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો દેશમાં વેક્સિન ઉપલબ્ધ નથી, રાજ્યોની પાસે કોઈ સ્ટોક નથી, તો શું કોઈ પણ તૈયારી વગર ૧ મેથી તમામ માટે વેક્સિનેશનનો પ્રોગ્રામ જાહેર કરી દેવામાં આવ્યો હતો? દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત અનેક રાજ્યોએ ૧ મેથી વેક્સિનેશનનું નવું અભિયાન શરૂ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. ફક્ત વિરોધી દળોના રાજ્યો જ નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોએ પણ આવું જ કર્યું છે.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગત દિવસે જાહેર કર્યું કે, ૧ મેથી ૧૮+ વાળાઓ માટે વેક્સિન નહીં લાગે, કેમકે વેક્સિનનો જે ઑર્ડર કર્યો છે તે હજુ સુધી નથી પહોંચી. જો કે રાજ્યમાં ૪૫ વર્ષથી વધારે ઉંમરવાળા લોકો માટે વેક્સિનેશનનો જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે તે ચાલું જ રહેશે. રાજસ્થાન સરકારે પણ વેક્સિનની તંગીના કારણે ૧૫ મેથી વેક્સિનેશન ઓપન કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માના જણાવ્યા પ્રમાણે, તેમના રાજ્યને લગભગ ૭ કરોડ વેક્સિનની જરૂર છે, ૩.૭૫ કરોડ વેક્સિનના ઑર્ડર આપવામાં આવી ચુક્યા છે, પરંતુ સીરમ ઇન્સ્ટિટ્યુટનું કહેવું છે કે ૧૫ મે સુધી જ વેક્સિનનો સપ્લાય થઈ શકશે.
મહારાષ્ટ્ર સરકારે ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિન મફત આપવાની જાહેરાત કરી છે, પરંતુ અત્યારે વેક્સિન નહીં લગાવવામાં આવી રહી છે. મહારાષ્ટ્રનું કહેવું છે કે તેમણે વેક્સિનનો ઑર્ડર આપ્યો છે, પરંતુ સપ્લાય નથી થયો. મહારાષ્ટ્રની સ્થિતિ એ છે કે ૪૫ વર્ષથી વધારે ઉંમરના લોકો માટે વેક્સિન નથી મળી રહી. આવામાં મુંબઈમાં ત્રણ દિવસ માટે વેક્સિનેશન સંપૂર્ણ રીતે રોકી દેવામાં આવ્યું છે.