રાજકોટ : સરકાર કોરોના સામે મજબૂત લડાઈ લડી રહી છે. કોરોનાને કાબૂમાં લેવા કોઈ કચાશ નહીં રાખવાની નેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી છે અને તેમના જ માર્ગદર્શન હેઠળ જે અધિકારીઓ રાજકોટની વર્તમાન કોરોના પરિસ્થિતિ પર કામગીરી કરી રહ્યા છે તેમની પર તેઓ સતત મોનિટરિંગ રાખી રહ્યા છે. ટૂંક સમયમમાં રાજકોટમાં કોરોના કાબુમાં આવી જશે તેવું જણાવવામાં આવ્યું છે. વિજય રૂપાણીના નેતૃત્વમાં રોજેરોજ કોર કમિટીની બેઠકમાં નાનામાં નાની બાબતોની સમીક્ષા થઇ રહી છે.
દવા વેન્ટિલેટર, ડોક્ટરો, દર્દીઓ માટેની પથારી વગેરેની જરૂરી અને પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જે રીતે અમદાવાદ-સુરતમાં ટીમ કામે લાગી છે તે જ રીતે રાજકોટમાં પણ આરોગ્યની ટૂકડીઓ કામે લાગી છે. સર્વેલન્સની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ૧૦૦ ટીમ ઘરે-ઘરે જઈ લોકોના આરોગ્ય બાબતે જાણકારી મેળવી રહી છે . ઓક્સિજન સ્તર માપવા માટેના પલ્સ ઓક્સિમીટર ૭૦૦ની સંખ્યામાં હતા તે વધારીને ૨૦૦૦ વસાવામાં આવ્યા છે. જે વ્યક્તિમાં ઓક્સિજનનું પ્રમાણ ૯૦થી ઓછું જોવા મળે તેને સારવાર આપવામાં આવે છે.
રાજકોટમાં છેલ્લા અઠવાડિયામાં કેસ વધતા અમદાવાદ-સુરતથી ટૂકડીઓ ઉતારવામાં આવી છે . ત્રણ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ રાજકોટ શહેર-જિલ્લામાં છે. ઘરે-ઘરે જઇને જન આરોગ્યની તપાસ ઉપરાંત ઘર આંગણે તબીબી સારવાર આપવા માટે ધન્વંતરી રથ ફરી રહ્યા છે. પૂર્વ સાવચેતી પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સીસીટીવી કેમેરાથી પણ દર્દીઓ સાથે તંત્ર સંપર્કમાં છે.