રાજકોટ : કોરોના કાળમાં લોકડાઉન પછી રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે, ત્યારે આજે રાજકોટમાંથી એક હિસ્ટ્રીશીટરની હત્યા કરી હોવાની વાત સામે આવી છે. રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના નવા થોરાળા વિસ્તારમાં આવેલ કુવાવાળા ચોકમાં દારૂના ધંધાને લઈને ચાલતી માથાકૂટમાં ખૂની ખેલ ખેલાયો છે. આ ઘટનામાં નામચિન હિસ્ટ્રીશીટર ધર્મેશ ચાવડાની પાંચ શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે.
સામાન્ય બાબતે કુવાવાળા ચોકમાં છરીઓ ઉડતા હિસ્ટ્રીશીટર ધર્મેશ આનંદ ચાવડાની ઘટના સ્થળે જ હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ થોરાળા પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ દોડી આવ્યો હતો. મૃતકના નાનાભાઈના કહેવા મુજબ, મૃતક ધર્મેશ ચાવડાની હત્યા રતી પરમાર, તેનો ભત્રીજો મૌલિક પરમાર, ભીખા ચાવડા, રસિક ચાવડા અને નરેશ દવેરાએ કરી છે. જેમાં મૃતક ધર્મેશ અને આરોપી રતી પરમાર વચ્ચે અગાઉ પણ દારૂના ધંધાને લઈને માથાકૂટ થઈ હતી. જેમાં આજે ‘તું અહીં ઉભો રે માં’ કહી આરોપીઓએ છરી અને લોખંડના પાઇપ વડે હત્યા કરી નાખી હોવાનો આરોપ લગાવ્યો હતો.
હાલ તો આ ઘટનામાં આરોપી મૌલિક પરમારને પણ મારમારીમાં ઇજા પહોંચી હોવાથી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. જોકે મૃતક હિસ્ટ્રીશીટર હતો અને અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. ત્યારે હિસ્ટ્રીશીટર ધર્મેશ ચાવડાની હત્યા થતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. રાજકોટમાં હત્યાનો સિલસિલો યથાવત છે. સામાન્ય બાબતે હત્યા જેવી ઘટના જ પોલીસની ધાક ઓછી થઈ ગઈ હોવાની ચાડી ખાઈ રહી છે. ત્યારે આ હત્યા પાછળ દારૂના ધંધાને લઈને થયેલી અગાઉની માથાકૂટ જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.