માસ્ક ન પહેરનારા વિરુદ્ધ મોટો દંડ ફટકારાશે…
જયપુર : રાજસ્થાનમાં દિવાળી પછી સતત કેસ વધતા કોરોના સંક્રમણ પછી ટેન્શનમાં આવેલી અશોક ગેહલોતની સરકારે શનિવારે રાત્રે બેઠક બાદ મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને જયપુર અને જોધપુર સહિત ૮ શહેરોમાં નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરી છે. આ કર્ફ્યૂ રાત્રે ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી રહેશે. રાજ્યમાં મંત્રીમંડળની બેઠક થઈ હતી જેમાં સામે આવ્યું કે લગ્નની સીઝન, ઠંડી, તહેવારો વગેરેના કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે.
બેઠકમાં ચર્ચા કરાઈ કે નવેમ્બર માસમાં પ્રદેશમાં રોજ પોઝિટિવ કેસની સંખ્યા ૧૭૦૦થી વધીને ૩૦૦૦ રોજની થઈ ગઈ છે. પ્રદેશના ૮ જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા અચાનક વધી ગઈ છે. ઠંડી વધવાના કારણે આવનારા દિવસોમાં કોરોનાની સ્થિતિ વધારે ગંભીર થવાની આશંકા છે. એવામાં લોકોના જીવનની રક્ષા તથા માસ્ક લગાવવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા હેલ્થ પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરીને સંક્રમણ પર નિયંત્રણ માટે રાજ્ય સરકાર તરફથી પગલા ભરવામાં આવ્યા છે.
કોરોના સંક્રમણથી સૌથી વધુ અસર જોધપુર, જયપુર, કોટા, બીકાનેર, ઉદેપુર, અજમેર, અલવર અને ભીલવાડા જિલ્લામાં જોવા મળી છે જ્યાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. આ સાથે બજારો, રેસ્ટોરાં, શોપિંગ મૉલ અને ઓફિસો ૭ વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે. નાઈટ કર્ફ્યૂ દરમિયાન લગ્ન સમારોહમાં જનારા, દવાઓ સહિત જરુરી સેવાઓ સંબંધિત લોકો તથા બસ, ટ્રેન અને હવાઈ મુસાફરી માટે આવા-ગમન કરનારા લોકોને છૂટ અપાશે.