Charotar Sandesh
ગુજરાત

રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર માછીમારો માટે ૧૦૫ કરોડનું રાહત પેકેજ…

મુખ્યમંત્રી રુપાણી સરકારનો સંવેદનશીલ નિર્ણય…
નુકશાન પામેલ બોટના ખલાસીઓને જીવનનિર્વાહ માટે ખલાસી દીઠ ઉચ્ચક રૂ. ૨૦૦૦ની સહાય ખલાસીઓના ખાતામાં સીધા ડીબીટીથી ચૂકવવામાં આવશે…

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી કોર કમિટીની બેઠેકે રાજ્યમાં તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયા કિનારાના સાગરખેડૂ-માછીમારોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પુનઃબેઠા કરવા અને મત્સ્યોદ્યોગ પ્રવૃતિમાં પૂર્વવત કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા ૧૦૫ કરોડનું રાહત-સહાય પેકેજ જાહેર કર્યું છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ઉર્જામંત્રી સૌરભ પટેલ, મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડા અને મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, એસી.એસ.શ્રી પંકજકુમાર અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં મત્સ્યોદ્યોગ અને પશુપાલન સચિવ નલિન ઉપાધ્યાય અને કમિશનર ડી.પી.દેસાઇ જોડાયા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ રાહત સહાય પેકેજની વિગતો આપતા કહ્યું કે, સાગરખેડૂ-માછીમારોને તાઉ-તે વાવાઝોડાથી થયેલા વ્યાપક નુકસાનમાંથી પુનઃબેઠા કરવા અને પૂર્વવત કરવાની સંપૂર્ણ સંવેદનાથી રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર આટલું વિશાળ ૧૦૫ કરોડ રૂપિયાનું ઉદારતમ પેકેજ સરકારે જાહેર કર્યું છે. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, તાજેતરમાં ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા બંદરો જાફરાબાદ, રાજુલા, સૈયદરાજપરા, શિયાળબેટ, નવાબંદર સહિતના બંદોરોને ઘમરોળીને કલાકના ૨૨૦ કિ.મીની ઝડપે ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાથી દરિયો પણ તોફાની થયો હતો. આના પરિણામે માછીમારોની ફિશિંગ બોટ, મોટા ટ્રોલર, હોડીઓ સહિત અમૂક કિસ્સાઓમાં મત્સ્યબંદરની માળખાકીય સુવિધાઓને પણ મોટાપાયે નુક્સાન થયું હોવાનો અંદાજ સામે આવ્યો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ૧૬૦૦ કિ.મીનો સૌથી લાંબો સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાતમાં પોરબંદરથી ઉમરગામ સુધીની દરિયાઇ પટ્ટીમાં નાના-મોટા મત્સ્યબંદરો પરથી અનેક સાગરખેડૂ પરિવારો દરિયો ખેડીને માછલી-ઝિંગા જેવા મત્સ્ય ઉત્પાદનો મેળવી તેના વેચાણથી પોતાની આજીવિકા રળીને નિર્વાહ કરતા રહ્યા છે. તાજેતરમાં આ વિનાશક તાઉ-તે વાવાઝોડાએ આવા સાગરખેડૂ ભાઇઓની મત્સ્ય હોડીઓ, ફાઇબર બોટ અને ટ્રોલર તેમજ માછીમારી પરિવારોના કાચા-પાકા મકાનો, બંદર પર બોટ લાંગરવાની સુવિધા-જેટી અને અન્ય માળખાકિય સગવડોને નુક્સાન કર્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મત્સ્યોદ્યોગ માટેના આ રાહત પેકેજ જાહેર કરતા પૂર્વે રાજ્યના મત્સ્યદ્યોગ-બંદર વિભાગના મંત્રી જવાહરભાઇ ચાવડા અને સચિવ નલિન ઉપાધ્યાય સહિતના વરિષ્ઠ અધિકારીઓએ અસરગ્રસ્ત જિલ્લા અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથના બંદરોની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લઇને માછીમાર પરિવારોને થયેલા હોડીઓના, મોટીબોટના, ટ્રેલરના તેમજ જેટી-બંદરોને થયેલા નુક્સાનનો સર્વગ્રાહી સર્વે સ્થાનિક માછીમોરોની રજૂઆતો ધ્યાને લઇને કર્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલા રાહત પેકેજમાં ૨૫ કરોડ રૂપિયા સાગરખેડૂ-માછીમારોની બોટ, ટ્રોલર, ફિશિંગનેટ વગેરેને થયેલા નુક્સાન રાહત પેટે તેમજ ૮૦ કરોડ રૂપિયા મત્સ્યબંદરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુક્સાનની મરામત માટે મળીને કુલ રૂપિયા ૧૦૫ કરોડનું આ પેકેજ છે. આ પેકેજની અન્ય વિશેષતાઓ વિશે જોઇએ તો નુકશાન પામેલ બોટના ખલાસીઓને જીવનનિર્વાહ માટે ખલાસી દીઠ ઉચ્ચક રૂ. ૨૦૦૦ની સહાય ખલાસીઓના ખાતામાં સીધા ડ્ઢમ્‌થી ચૂકવવામાં આવશે.

Related posts

હાર્દિક પટેલને હાઇકોર્ટમાંથી મોટો ઝટકો, કાયમી રાજ્ય બહાર જવાની અરજી ફગાવી…

Charotar Sandesh

છ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના ૧૭૮ સાથે કુલ ૧૩૪૦ ઉમેદવારોની ડિપોઝિટ થઇ ડુલ…

Charotar Sandesh

ભાવનગરમાં વધુ ૩ દર્દીએ કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા, કુલ ૯૦ લોકો સાજા થયા…

Charotar Sandesh