નાગરિકોને શુદ્ધ ગુણવત્તાયુકત પાણી પુરુ પાડવા રાજય સરકાર કટિબદ્ધ : કુંવરજી બાવળિયા
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા અંદાજપત્ર સત્ર દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યનાં ગામો-શહેરોમાં સૌને પીવાનું શુદ્ધ ફિલ્ટર્ડ પાણી પહોંચાડી તંદુરસ્ત સ્વસ્થ જીવનની પ્રતિબદ્ધતા કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે હવે રાજ્યમાં સંપૂર્ણપણે વરસાદનું પાણી પૂરું પાડવામાં આવે છે. રાજ્યના મોટાભાગના ગામડા અને શહેરો સુધી હવે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદનું પાણી પહોંચાડવામાં આવે છે એ ચાલુ વર્ષ દરમિયાન વરસેલા વરસાદનું પાણી છે. આ પાણી ક્ષારમુક્ત અને શુદ્ધ હોય છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં કડાણા, ઉકાઈ અને ધરોઈ જેવા કાયમી સોર્સિસથી પાણી પહોંચાડવામાં આવે છે. ગુજરાત વિધાનસભાગૃહમાં પુછાયેલ પ્રશ્નનો ઉત્તર અપાતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું કે, રાજ્યના નાગરિકોને શુદ્ધ ગુણવત્તાયુક્ત પીવાનું પાણી પૂરું પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોને સરફેસ સોર્સ આધારિત પાણી પૂરું પાડવામાં આવે છે. ગ્રામ્યસ્તરે પાણી સમિતિ દ્વારા બોર અને કૂવાના પાણીની ચકાસણી કરીને પાણી ઉપયોગમાં લેવાતું હોય છે. રાજ્યમાં નળ દ્વારા પૂરા પડાતા પાણીની કેન્દ્ર સરકારના બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબના ૧૩ મુખ્ય કેમિકલ અને બેક્ટેરીયોલોજીકલ પેરામીટરની નિયમિત ધોરણે ચકાસણી કરવામાં આવે છે.
પરિણામે રાજ્યના નાગરિકોને ફ્લોરાઈડમુક્ત અને ક્ષારમુક્ત શુદ્ધ પીવાનું પાણી મળે છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે અમે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. જેના પરિણામે રાજ્યમાં ૮૨ ટકાથી વધુ નાગરિકોને વિવિધ યોજનાઓ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ‘નલ સે જલ’ યોજના હેઠળ રાજ્યના રેવન્યુ વિલેજને આવરી લીધા બાદ ગામડાઓમાં ખેતરમાં છુટા છવાયા વિસ્તારોમાં રહેલા લોકોને આવરી લેવાનું આયોજન છે. આજે વિધાનસભા ખાતે બોરસદ તાલુકામાં આંતરિક પેયજળ યોજનાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે ઉમેર્યું કે, રાજ્યની નર્મદા યોજના, ધરોઈ યોજના, કડાણા યોજના જેવી વિવિધ પાણી પુરવઠા યોજનાઓ અને ‘નલ સે જલ’ યોજના અંતર્ગત ૮૨ ટકા નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવે છે. પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળિયાએ કહ્યું કે, બોરસદ તાલુકામાં આંતરિક પેયજળ યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષમાં રૂ. ૨૦૯.૪૧ લાખના ખર્ચે ૪૦ યોજનાઓ પૂર્ણ કરીને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.