સુરત : રાજ્યમાં કોરોના વાયરસ બાદ હવે બર્ડ ફ્લૂથી લોકોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. અત્યારસુધી રાજ્યમાં જૂનાગઢ, સુરત, વલસાડ અને વડોદરા જિલ્લામાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા છે. સુરત, જૂનાગઢ અને વલસાડ બાદ વડોદરાના સાવલીના વસંતપૂરા ગામમાં બર્ડ ફ્લૂની પુષ્ટી થઈ છે. ભોપાલમાં મોકલેલા મૃત કાગડાના બર્ડ ફ્લુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશની વાત કરીએ તો હવે ૯ રાજ્યમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ ગઈ છે.
દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને કેરળમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવી ચુક્યા છે. બર્ડ ફ્લૂના ફેલાઈ રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને સંસદીય સમિતીએ બેઠક બોલાવી હતી. રાજ્યમાં ચાર જિલ્લાઓમા બર્ડ ફ્લૂની પુષ્ટિ થઇ ગઇ છે. વડોદરાના વસંતપુરા ગામમાં ૩૦ કાગડાનાં મૃત્યુ બાદ ૫ સેમ્પલ ભોપાલમાં રિપોર્ટ માટે મોકલવામાં આવ્યાં હતાં. જ્યાં ૩ કાગડા રિપોર્ટ બર્ડ ફ્લૂ પોઝિટિવ આવ્યા છે. સુરતના બારડોલીના મઢી ગામે બર્ડ ફ્લૂના ૨ કેસ નોંધાયા છે.
અહીં ૫ દિવસ અગાઉ મઢી રેલ્વે ક્વાટર્સ નજીકથી ૪ કાગડા મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેમાંથી ૨ કાગડાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ પહેલા ૫ જાન્યુઆરીએ જૂનાગઢના માણાવદર તાલુકાના બાંટવા ખારો ડેમ પાસેથી ૫૩ પક્ષીઓનાં મૃતદેહ મળી આવ્યા હતા. જે પૈકી એક ટિટોડીનું મોત બર્ડ ફ્લૂથી થયાનો રિપોર્ટ આવ્યો હતો.