નવસારી : હાલમાં કોરોના મહામારીને કારણે રાજ્યની સ્કૂલ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું. જ્યારે સ્કૂલો અને કોલેજો સત્તાવાર રીતે શરૂ કરવા માટે સરકારનો આદેશ ન થાય ત્યાં સુધી રાજ્યમાં તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોનો સમય સવારે ૭.૩૦થી ૧૨.૦૦ કલાક સુધીનો રાખવા ૨૩ નવેમ્બરના પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું. હવે સરકારે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના ૫૦ ટકા સ્ટાફને જ સ્કૂલમાં હાજર રાખવા પરિપત્ર જાહેર કર્યો છે.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી રાજ્યના તમામ જિલ્લાઓના જિલ્લા શિક્ષણ અધિકારીઓને પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં જિલ્લાની તમામ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં ૫૦ ટકા શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફને ઓનલાઈન શિક્ષણ તેમજ ટેલી કાઉન્સેલિંગ માટે બોલાવી શકાશે. આ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવનાર SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. એવી તકેદારી રાખવા પણ પરિપત્રમાં જણાવાયું છે.
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે માર્ચમાં ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા લેવામાં આવે છે અને આ પરીક્ષા માટે ચાર માસ પહેલાં, એટલે કે નવેમ્બરમાં ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. લગભગ દોઢ માસ જેટલા સમયગાળામાં બોર્ડની ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા પરીક્ષા માટેની આગળની તૈયારી કરવામાં આવે છે. જોકે આ વખતે કોરોનાને કારણે બોર્ડની વિવિધ કામગીરીઓ પણ પાછળ લઈ જવી પડી છે.