ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યારે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતનાં આરોગ્ય વિભાગે ખાનગી લેબોરે઼ટરીઓને પણ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવાની મંજૂરી આપી દીધી છે. આરોગ્ય વિભાગની યાદી પ્રમાણે, આ માટે જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને મંજૂરી આપવા માટે અધિકૃત કરાયા છે. ઈએલઆઈએસએ ફોર એન્ટિબોડી ટેસ્ટ દર્દી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે તો રૂપિયા ૪૫૦ અને દર્દીના ઘરે કે હોસ્પિટલમા જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા ૫૫૦નો ખર્ચ થશે, તેમ જણાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, વિવિધ ખાનગી લેબોરેટરીઓએ સરકાર પાસે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે મંજૂરી આપવાની માગણી કરાઈ હતી. જેથી કેટલીક શરતોને આધિન તેમજ ચોક્કસ યોગ્યતા ધરાવતી ખાનગી લેબોરેટરીઓને રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરવાની મંજૂરી અપાઈ છે. જે મુજબ લેબમાં એમડી પેથોલોજીસ્ટ કે એમડી માઈક્રોબાયોલોજીસ્ટ ફરજીયાત ઉપલબ્ધ હોવા જોઈએ.
સત્તાવાર જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, ટેસ્ટ માટે આઈસીએમઆર માન્યતા પ્રાપ્ત ઈએલઆઈએસએ કે સીએલઆઈએ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કીટ વાપરવાની રહેશે. એલઆઈએસએ ફોર એન્ટીબોડી ટેસ્ટ જો દર્દી લેબમાં કરાવે તો રૂ.૪૫૦ અને જીજેએ ફોર એન્ટીબોડી ટેસ્ટ કરાવે તો રૂ. ૫૦૦નો ચાર્જ લેવાનો રહેશે. આ સાથે લેબોરેટરીએ જે-તે દિવસે કરેલા ટેસ્ટની સંપૂર્ણ વિગતો જે-તે જિલ્લા/કોર્પોરેશનને અચૂક આપવાની રહેશે તેમજ આ માહિતી દર્દી અને હોસ્પિટલ સિવાય અન્ય કોઈપણ સંસ્થાને આપવાની રહેશે નહિ. યાદીમાં જણાવ્યા પ્રમાણે, માન્યતા આપવામાં આવેલી તમામ લેબોરેટરીઓએ ભારત સરકાર કે રાજ્ય સરકારની ગાઇડલાઇન્સનો સંપૂર્ણ અમલ કરવાનો રહેશે.