અમદાવાદ : રાજ્યના ગૃહ વિભાગે પોલીસમાં કુલ ૭,૬૧૦ નવી જગ્યાને મંજૂરી આપી છે. ટૂંક સમયમાં ભરતી હાથ ધરાશે.
ગુનાઓ અટકાવવાની કામગીરી, વીવીઆઇપી બંદોબસ્ત માટે તમામ પોલીસ કમિશનરેટ, જિલ્લા યુનિટ અને રેલવે પોલીસ હસ્તકની તેમજ ડોગ સ્ક્વોડની જગ્યાઓ વધારવા ડીજીપીએ કરેલી દરખાસ્ત મુજબ બજેટમાં કુલ ૧૦,૫૦૬ જગ્યા મંજૂર કરાઈ હતી અને એ માટે ૧૧૫.૧૦ કરોડની જોગવાઈ હતી, પણ કોરોનાને કારણે ભરતીના બજેટમાં ૧૦૦ કરોડનો કાપ મુકાતાં ૧૫.૧૦ કરોડની જોગવાઈ મુજબ ૭,૬૧૦ જગ્યા ભરવાની મંજૂરી અપાઈ છે.
મંદ આર્થિક હાલતો વચ્ચે સરકાર માટે ભરતી કરવી એક પડકાર રૂપ કસોટી છે. તેમ છતાં આજે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે પોલીસ કર્મચારીઓની ભરતી અંગે જાહેરાત કરી છે. સાથે સાથે શિક્ષણ વિભાગે પણ શિક્ષકોની ભરતી કરવા નિર્ણય લીધો છે, જે મુજબ ગૃહ વિભાગ 7610 પોલીસ કર્મચારીઓની ભરતી કરશે. જ્યારે શિક્ષણ વિભાગે 650 શિક્ષકોની ભરતી અંગે જાહેરાત કરી છે. બંને વિભાગે આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.