ગુજરાતમાં એક જ દિવસમાં ૧૪ પોઝિટિવ કેસ, કુલ આંકડો ૧૨૦ને પાર…
કુલ મૃત્યુઆંક ૧૧એ પહોંચ્યો,અમદાવાદમાં સૌથી વધુ ૮ સાથે કુલ ૫૩ પોઝિટિવ કેસ, તમામ તબલિજિ જમાત સાથે સંબંધિત હોવાનો દાવો, કુલ ૧૨૨માંથી ૭૨ લોકલ ટ્રાન્સમિશન, ૧૮ સાજા થયા, બોડેલી ગામનો શખ્સ તબલીગી જમાતનાં મરકજથી પરત આવ્યો હતો…
ગાંધીનગર : કોરોના મહામારીમાં ગુજરાતમાં લોકોની બેદરકારી અને લોકડાઉનના ઉલ્લંઘનથી ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. અમદાવાદ હોટસ્પોટમાંથી હવે તેનાથી પણ આગળના તબક્કામાં પહોંચી ગયું છે. દરમ્યાન ગુજરાત સરકારે પણ કેન્દ્રની જેમ આજે પહેલીવાર એવુ જાહેર કર્યું કે ગુજરાતમાં જે કેસો વધ્યા છે તે તબલીગી જમાત સાથે સીધી રીતે જોડાયેલા છે. ખાસ કરીને અમદાવાદમાં જે પોઝીટીવ કેસો બહાર આવ્યાં તેના દર્દીઓએ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં યોજાયેલા મરકઝ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અને ત્યાંથી આવ્યાં બાદ તેમનામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. અને તેમની સાથે સંપર્કમાં આવનારાઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અમદાવાદના તમામ દર્દી દિલ્હી મરકજથી આવેલા લોકોના સંપર્કમાં આવ્યા હતા. મરકજથી આવેલા તમામ લોકોનું ચેકિંગ હાલ ચાલુ છે. પોઝિટીવ ન હોય તો પણ તેમને આઈસોલેશનમાં રાખાશે. જયંતિ રવિએ કહ્યું કે કુલ ૩૩ લોકો વિદેશથી આવ્યા, વિદેશથી આવેલ ૧૭ લોકોના કોરોના કેસ પોઝિટીવ આવ્યા છે. ત્યારે ૭૨ લોકોને લોકલ ટ્રાન્સમિશનથી કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં નોંધાયેલા કોરોના વાઇરસના કેસોની તાજી વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે રવિવારે જણાવ્યું હતું કે, અમદાવાદમાં નવા ૮ કેસ, ભાવનગરમાં ૨, વડોદરામાં ૧, છોટાઉદેપુર ૧ અને સુરતમાં ૨ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ ૧૨૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અત્યારસુધીમાં ૧૧ના મોત નીપજ્યાં છે. છોટાઉદેપુરના પાવીજેતપુર અને બોડેલી ગામનો શખ્સ તબલીઘ જમાતની મરકજથી પરત આવ્યો હતો. બે દિવસ પહેલા બે શખ્સ સહિત ૮ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી બોડેલીના શખ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં કુલ ૧૨૨ પોઝિટિવ કેસમાંથી ૭૨ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે.
જિલ્લાવાર વિગત જાણીએ તો અમદાવાદમાં ૫૩ પોઝિટિવ કેસ અને ૫ના મોત, ગાંધીનગરમાં ૧૩ પોઝિટિવ કેસ, સુરતમાં ૧૫ પોઝિટિવ કેસ અને ૨ના મોત, રાજકોટમાં ૧૦ પોઝિટિવ કેસ, ભાવનગરમાં ૧૧ પોઝિટિવ કેસ અને ૨ના મોત, વડોદરામાં ૧૦ પોઝિટિવ કેસ અને ૧નું મોત, પોરબંદરમાં ૩ અને ગીરસોમનાથમાં ૨ પોઝિટિવ કેસ જ્યારે કચ્છ, મહેસાણા, પંચમહાલ,પાટણ અને છોટા ઉદેપુરમાં માં ૧-૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ ૧૨૨ કેસમાંથી ૩૩ વિદેશથી આવેલા, ૧૭ આંતરરાજ્ય અને ૭૨ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે.
દરમ્યાનમાં, તબલીગી જમાતમાં ગયેલા વધુ સાત લોકોની ઓળખ થઇ છે એમ કહીને રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ કહ્યું હતું કે, નિજામુદ્દીન તબલીગી જમાતની મરકજમાં ગુજરાતથી ગયેલા વઘુ સાત લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. ગઇકાલ સુધી ૧૦૩ લોકોની ઓળખ કરવામાં આવી હતી. જેમાં એકનું મૃત્યુ થયું છે જ્યારે એકનો કોરોનો પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. સાત નવા લોકો સાથે તબલીઘ જમાતની મરકજમાં ગયેલી કુલ ૧૧૦ લોકોની ઓળખ થઇ છે. નવા સાત લોકો નવસારીના હોવાનું રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છેકે લોકડાઉન બાદ નિજામુદ્દીન તબલીઘથી ગુજરાત પરત ફરેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા ૧૦ લોકો વિરુદ્ધ ચાર ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં બોટાદમાં ૨ અને નવસારી-ભાવનગરમાં ૧-૧ ગુના દાખલ કરવામાં આવ્યા છે.