વડોદરા : રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો પ્રારંભ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં સવા 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો અમદાવાદના દેત્રોજમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વડોદરાના કરજણમાં સવા 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ખેડાના માતરમાં 3 ઇંચ વરસાદ, મહેસાણાના બહુચરાજીમાં અને સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, રાજ્યના 13 તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 64 તાલુકામાં ૧ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
મેઘરાજાની રાજ્યમાં પધરામણી થઈ ગઈ છે ત્યારે હવે જેમ-જેમ ચોમાસું આગળ વધતુ જાય છે, તેમ-તેમ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી વચ્ચે રાજ્યના 75 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ગાજવીજ સાથે નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વહેલી પરોઢે 4 વાગ્યાની આસપાસ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો.
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ દહેગામ તાલુકામાં 3 ઈંચ જેટલો નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય અન્ય તાલુકામાં કપરાડા અને નખત્રાણામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માતર, કલોલ, જોટાણા, ઈડર, દેત્રોજ, ક્વાંટ અને ઉમરપાડામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ગાંધીનગર, મહેસાણા, વીરપુરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.