બેવડી ઋતુ બાદ આજથી ઠંડીનું પ્રમાણ વધવાની કરાઈ આગાહી…
અમદાવાદ : ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીની અસર શરુ થઈ ગઈ છે. વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. જોકે દિવસે થોડો ઉકળાટ અને રાત્રે ઠંડીનો અહેસાસ થયો હોવાથી અમદાવાદ શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ ડિસેમ્બર મહિનો શરૂ થતા જ ઠંડીનું પ્રમાણ વધશે.
અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અહીં તાપમાનનો પારો ૩૪ ડિગ્રીને પાર થતાં દિવસે બફારો અને ઉકળાટનો અનુભવ થયો હતો. જોકે શહેરનું રાત્રીનું તાપમાન ૨૦ ડીગ્રી રહ્યું હતું. પરંતુ ૪ ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી વલસાડ, નલિયામાં ૧૫ ડીગ્રી તાપમાન નોંધાયું છે. તેવી જ રીતે રાજ્યના સૌથી ઠંડા રહેતા ડીસામાં ૧૫ ડીગ્રી તાપમાન રહ્યું હતું. તો કંડલામાં ૧૭ ડીગ્રી નોધાઈ હતી.
આ ઉપરાંત ભુજ, ગાંધીનગર, રાજકોટમાં ૧૮ ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. જ્યારે સુરેન્દ્રનગર, પોરબંદરમાં ૧૯ તાપમાન નોંધવામાં આવ્યું હતું. દીવમાં ૨૦ ડીગ્રી અને કેશોદમાં ૧૯ ડિગ્રી તાપમાન સાથે ઠંદીનો અનુંભવ લોકોને થયો હતો. મહુવા અને ભાવનગરમાં એકસરખું જ ૨૦ ડીગ્રી તાપમાન સાથે ઠંડી નોંધાઈ હતી. આ સાથે જ રાજયના અન્ય મહાનગરોમાં પણ ઠંડીનુ પ્રમાણ વધ્યુ હતું. વડોદરામાં ૧૯ ડીગ્રી તો સુરતમાં ૨૦ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પણ ૨૦ ડિગ્રી તાપામાન નોંધતા લોકોને ઠંડીના ચમકારાનો અહેસાસ થયો છે.