અમદાવાદ : ૨૦૨૦માં દેશભરમાં માત્ર ૨૭૨૧ કેસ અને ૪૪ લોકોના મોત નોંધાયા છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ તેમજ વડોદરા જેવા શહેરોમાં કોરોનાની સ્થિતી ધીરે-ધીરે કાબુમાં આવી રહી છે. જોકે હજુ પણ રાજ્યમાં દરરોજ ૧૧૦૦થી વધુ કેસ તેમજ ૨૦થી વધુના મોત થાય છે. ત્યારે કોરોના કાળ દરમિયાન આ વર્ષે સ્વાઈન ફ્લૂથી રાજ્યને રાહત મળી છે. અન્ય વર્ષની સરખામણીમાં ૨૦૨૦માં ગુજરાતમાં ના બરાબર કેસ તેમજ મોત નોંધાયા છે. ગત વર્ષે રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કુલ ૪૮૪૪ કેસ નોંધાયા હતા અને ૧૫૧ દર્દીના મોત નિપજ્યાં હતા. ત્યારે આ વર્ષે માત્ર ૫૫ કેસ અને બે લોકોના સ્વાઈન ફ્લૂના કારણે મોત થયા છે.
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સ્વાઈન ફ્લૂના ૧ જાન્યુઆરીથી ૩૧ જુલાઈ સુધીના આંકડા જાહેર કર્યા હતા. જેમા ૨૦૨૦માં દેશભરમાં માત્ર ૨૭૨૧ કેસ અને ૪૪ લોકોના મોત નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં માત્ર સ્વાઈન ફ્લૂના માત્ર ૫૫ કેસ તેમજ બે લોકોના મોત નોંધાયા છે. એટલે કે ૨૦૨૦માં લોકોને સ્વાઈન ફ્લૂની બીમારીથી રાહત મળી છે. સરકારના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા ૪ વર્ષમાં સૌથી ઓછા કેસ આ વર્ષે નોંધાયા છે.
જ્યારે ખાંસી આવે અથવા છીંક આવે તો હવામાં અથવા જમીન પર કે જ્યાં પણ થૂક અથવા મોં અને નાકમાંથી નિકળતું દ્રવ કણ પડે છે, તે વાયરસની ચપેટમાં આવી જાય છે. આ કણ હવા દ્વારા અથવા કોઈને અડવાથી અન્ય વ્યક્તિના શરીરમાં મોં અથવા નાક દ્વારા પ્રવેશે છે. ઉપરાંત દરવાજા, ફોન, કીબોર્ડ અથવા રિમોટ કંટ્રોલ દ્વારા પણ આ વાયરસ ફેલાય છે. જો આ વસ્તુઓનો ઉપયોગ કોઈ સંક્રમિત વ્યક્તિએ કર્યો હોય.