ગાંધીનગર : રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે અને ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઈ રહી છે. શિયાળાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાત રાજ્યમાં ૧૫ નવેમ્બરથી શિયાળાની શરૂઆત થશે, ત્યાં સુધી રાજ્યની જનતાને બેવડી ઋતુનો અહેસાસ કરવો પડી શકે છે. આગામી નવેમ્બર મહિના સુધી જનતાને બપોરના સમયે ગરમી અને રાત્રીના સમયે ઠંડીનો પણ ચમકારાનો અનુભવ થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ૧૫ નવેમ્બરથી સત્તાવાર રીતે રાજ્યમાં શિયાળાની શરૂઆત થવાની છે. શિયાળીની શરૂઆત પહેલા સવારે ઠંડી અને બપોરે ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ચોમાસું ધીમેધીમે વિદાય લઈ રહ્યું છે.
સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર-મધ્યમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય ઝાપટા પડી શકે છે. ઉત્તર તરફના પવન ફૂંકાતા તાપમાનમાં વધઘટ લાવી રહ્યા છે, જેના કારણે વહેલી સવારે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અંદમાનના દરિયામાં એક લો પ્રેશર સક્રિય થયું છે. પરંતુ લૉ-પ્રેશરની અસર ગુજરાતમાં નહીં થાય.
દક્ષિણ ગુજરાતના એક વિસ્તારમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની હવામાને આગાહી કરી છે, પરંતુ ૧૫ નવેમ્બરથી સમગ્ર રાજ્યભરમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું હશે. રાજ્યની હાલની સ્થિતિની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. ઉત્તર તરફના પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધી રહ્યું છે અને લઘુતમ તાપમાન ઘટી રહ્યો છે. જેના કારણે વહેલી સવારે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થય રહ્યો છે.